જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં રેલી નીકળી, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા: બાવળીયાએ જાહેરસભા પણ સંબોધી
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ આજે શક્તિ પ્રદર્શન સાથે શુભ મુહૂર્ત પર ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. જસદણમાં કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં વિશાળ રેલી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. ઉપરાંત કુંવરજીભાઈએ જાહેરસભા પણ સંબોધી હતી.
જસદણ વિધાનસભા બેઠક પર ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કુંવરજીભાઈ બાવળીયા ચૂંટાયા હતા બાદમાં તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરીયો ખેસ ધારણ કરતા ભાજપે તેને કેબીનેટ મંત્રીનું પદ પણ આપ્યું હતું. કુંવરજીભાઈએ પક્ષ પલ્ટો કરતા જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક માટે પેટા ચૂંટણી યોજવા તાજેતરમાં જ ચૂંટણીપંચે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
હાલ જસદણ પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આગામી તા.૩ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ભાજપ દ્વારા ઘણા સમય પૂર્વે જ જસદણ વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું હતું. આજરોજ કુંવરજીભાઈ બાવળીયાએ બપોરે ૧૨:૩૯ના શુભ મુહૂર્ત પર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા પહેલા કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં જસદણમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં કુંવરજીભાઈ બાવળીયાના સમર્થકો ઉમટી પડયા હતા.
આ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ જાહેરસભા પણ સંબોધી હતી. આમ તેઓએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. એક તરફ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈએ ફોર્મ ભરવાની સાથે પોતાના સમર્થકોની વિશાળ હાજરીમાં શક્તિનું પ્રદર્શન કર્યું છે ત્યારે બીજીબાજુ કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત પણ કરી નથી. જસદણ વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩ ડિસેમ્બર છે. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયાને માત્ર ત્રણ દિવસ વધ્યા છે છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાતમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. જો કે, કોંગ્રેસના પ્રબળ દાવેદાર એવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયાએ ચાર ફોર્મ તેમજ તેમના સાથી મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ ધડુકે બે ફોર્મ ઉપાડયા છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી અવસરભાઈ નાકીયાને ફોર્મ ભરીને તૈયાર રાખવાની સુચના પણ આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.