કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની તરફેણમાં જસદણ અને વિંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા: કોંગ્રેસમાં યોગ્ય સ્થાન અપાયુ ન હોવાનો પ્રમુખોનો બળાપો
જસદણ પેટા ચૂંટણી જાહેર થવાને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસની બે વિકેટ ખળી ગઈ છે. હાલમાં ભાજપના કેબીનેટ મંત્રી તેમજ કોંગ્રેસના પૂર્વ અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાની તરફેણમાં જસદણ અને વિંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ પક્ષમાંથી રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો ફેલાયો છે. આ બન્ને પ્રમુખોએ કોંગ્રેસમાં યોગ્ય સ્થાન મળ્યું ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ભાજપે કુંવરજીભાઈને કેબીનેટમાં સમાવ્યા હતા જેથી જસદણ-વિંછીયાની વિધાનસભા બેઠક હાલ ખાલી છે. આ બેઠક માટેની પેટા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પેટા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ કુંવરજીભાઈ બાવળીયાએ કુકરી ગાંડી કરીને જસદણ અને વિંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખોને પોતાની તરફેણમાં ખેંચી લીધા છે.
જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ કાકડીયા અને વિંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કડવાભાઈ જોગરાજીયાએ આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ બન્ને તાલુકા કોંગ્રેસ પ્રમુખોએ હાલના ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની તરફેણમાં રાજીનામુ ધરી દીધું છે.
ઉપરાંત બન્ને તાલુકા કોંગ્રેસ પ્રમુખોએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, કોંગ્રેસમાં તેઓને યોગ્ય સ્થાન મળ્યું નથી ઉપરાંત કોંગ્રેસમાં પ્રજાલક્ષી કાર્યો પણ થઈ શકતા નથી.
વધુમાં વિંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષમાં તેઓ વર્ષોથી જોડાયેલા છે. કોંગ્રેસના હમેશા વફાદાર રહીને તેઓએ અનેક સરાહનીય કામગીરી કરી છે તેમ છતાં કોંગ્રેસ દ્વારા તેઓને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણીની જાહેરાત પૂર્વે જ કૂંવરજીભાઈના વિસ્તાર ગણાતા જસદણ-વિંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ પર ચિંતાના વાદળો છવાયા છે.