ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાંથી ચુંટણી લડે તેવી પણ ચાલતી અટકળો: પરેશ ગજેરા અને પુષ્કર પટેલના નામો પણ ચર્ચામાં
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો પૈકી ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપે ગઈકાલે પોતાના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નામની સતાવાર ઘોષણા કરી દીધી છે. ગુજરાતની બાકી રહેતી ૨૫ બેઠકો માટે આજે મોડી સાંજે અથવા રાત્રે ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી સંભાવના જણાઈ રહી છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવશે કે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને ટીકીટ આપવામાં આવશે તે વાત પરથી આજે રાત્રે પડદો ઉંચકાઈ જશે જોકે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી ચુંટણી લડે તેવી અટકળો આજની તારીખે પણ ચાલી રહી છે. આ ઉપરાંત પરેશ ગજેરા અને પુષ્કર પટેલના નામો પણ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રદેશ નિરીક્ષકો દ્વારા રાજકોટ બેઠક માટે હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન મોહનભાઈ કુંડારિયાના તરફેણમાં સૌથી વધુ સેન્સ ગઈ હતી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રાજકોટ બેઠક માટે બનાવવામાં આવેલી ૩ નામોની પેનલમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધનસુખભાઈ ભંડેરી અને પરેશભાઈ ગજેરાના નામો મુકવામાં આવ્યા છે.
રાજયની ૨૬ પૈકી ગાંધીનગર બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠક પરથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે સાંજે ૭:૦૦ કલાકે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે ત્યારબાદ ભાજપ લોકસભાની ચુંટણી માટે પોતાના ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરશે જેમાં ગુજરાતની બાકી રહેતી તમામ ૨૫ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આજ બપોરની સ્થિતિ મુજબ રાજકોટ બેઠક માટે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનું નામ પેરેલલ ચાલી રહ્યું છે.
જો પક્ષ પોરબંદર બેઠક પરથી કડવા પટેલ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો રાજકોટ બેઠક પરથી લેઉઆ પટેલને ટિકિટ અપાશે અને આવામાં ધનસુખભાઈનું નામ પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવી રહ્યું છે જો પોરબંદર બેઠક પરથી ભાજપ લેઉઆ પટેલ સમાજને ટીકીટ આપશે તો રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.બીજી તરફ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની કોઈપણ એક બેઠક પરથી ચુંટણી લડશે તે વાત નિશ્ર્ચિત છે.
આવામાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પર અસર પડે તે માટે વડાપ્રધાન રાજકોટ બેઠક પરથી લોકસભા લડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. હાલ રાજકોટ માટે મુખ્યત્વે મોહનભાઈ કુંડારિયા અને ધનસુખભાઈ ભંડેરીના નામની જ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ પેનલમાં પરેશ ગજેરાનું નામ પણ મુકવામાં આવ્યું હોય તેઓના નામની અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે.