પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર અને યુવા પત્રકારોને મોરારીબાપુના હસ્તે સન્માનિત કરાયા
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રવિવારે સાંજે જાણીતા કથાકાર મોરારીબાપુના હસ્તે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે વરિષ્ઠ અને યુવા પત્રકારોને નચિકેત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં વરિષ્ઠ પત્રકારોની કેટેગરીમાં ‘જન્મભૂમિ’ ગ્રુપ ના વરિષ્ઠ તંત્રી કુંદન વ્યાસ, જાણીતા લેખક ગુણવંત શાહ તેમજ યુવા પત્રકારોની કેટેગરીમાં ‘ચિત્રલેખા’ સપ્તાહિકના આસિસ્ટન્ટ એડિટર હિરેન મહેતા અને ટીવી૯ ગુજરાતી ચેનલના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાણીતા લેખક અને વક્તા પદ્મશ્રી નગીનદાસ સંઘવીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. જ્યારે નગીનદાસ સંઘવીનું રાજકોટમાં શતાયુ પ્રવેશ નિમિતે સન્માન થયેલું ત્યારે સન્માન ની રાશિ અર્પણ કરી નચિકેત એવોર્ડ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ વરિષ્ઠ પત્રકારને રૂપિયા ૫૨ હજારની રાશિ અને સન્માનપત્ર તેમજ યુવા પત્રકારોને રૂા.૨૫ હજારની રાશિ અને સન્માનપત્ર અપાયું હતું. એવોર્ડના જ્યૂરી તરીકે નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, સાહિત્યકાર ભાગ્યેશ ઝાં, ’ચિત્રલેખા’ ના ભરત ઘેલાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન જાણીતા સાહિત્યકાર ભદ્રાયું વચ્છરાજાણી એ કર્યું હતું.