250 કિમી રસ્તા, 22 બ્રીજ બનાવ્યા, 5000થી વધુ NRI આવશે
કુંભ મેળામાં કુલ 12 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 15મી જાન્યુઆરીથી કુંભ મેળા 2019નો પ્રારંભ થશે. આ માટે ઉત્તરપ્રદેશ સરકારે તૈયારીમાં કોઈ કસર બાકી રાખી નથી. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધા આપવ માટે અને કુંભ મેળાને ભવ્ય બનાવવા માટે વિશ્વનું સૌથી મોટું અસ્થાયી શહેર બનાવવામાં આવી રહ્યું છે. આ અસ્થાયી શહેરના નિર્માણ માટે 4300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ શહેરમાં 250 કિલોમીટર લાંબા રસ્તા બનાવવામાં આવ્યા છે, તેમજ 22 બ્રિજનું નિર્માણ કરાયું છે. ઉપરાંત ગાડીઓના પાર્કિંગ માટે જગ્યા, અસંખ્ય રસોઈઘર સહિત તમામ પ્રકારની સુવિધા વિકસિત કરાઈ છે. કુંભ મેળામાં 5000થી વધુ એનઆરઆઈ સામેલ થવાનો અંદાજ છે. કુલ મળીને કુંભ મેળામાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર થવાની આશા છે.
કુંભ મેળાને રોશન કરવા માટે 40000થી વધુ એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે. બીજું કે યુનેસ્કો દ્વારા પહેલાંથી જ આ “ઈન્ટેજીબલ કલ્ચરલ હેરીટેજ અને હ્યુમિનિટી”ની યાદીમાં છે.
ઉત્તરપ્રદેશના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કેપી સિંઘે જણાવ્યું હતું કે, કુંભ મેળાના આયોજન માટે સુરક્ષા માટે તમામ તૈયારી કરાઈ છે. આ માટે કુંભ મેળાનું અસ્થાયી શહેર સીસીટીવી દેખરેખ હેઠળ રખાયું છે. આના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ નિયંત્રણ રાખી શકાશે.
સુરક્ષા વ્યવસ્થા માટે ઉત્તરપ્રદેશ પોલીસના 20000થી વધુ જવાનો તૈનાત કરાયા છે. મહત્વની બાબત એ છે કે જે પોલીસ જવાનો શાકાહારી છે, એમને જ સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. કુંભ આવતા દરેક યાત્રાળુને વિનંતી કરાઈ છે કે એ પોતાનું ઓળખકાર્ડ સાચવીને રાખે.