જૂનાગઢ મહાશિવરાત્રી કુંભ મેળામાં ઈષ્ટને આરાધતા યોગી આદિત્યનાથ: ગોરક્ષનાથ આશ્રમ, ભવનાથ મંદિરે પુજા–અર્ચના કરી પ્રકૃતિધામમાં સભા સંબોધી વિદાય લીધી
જુનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં યોગી આદિત્યનાથ ગઈકાલે જુનાગઢ આવ્યા હતા. ગુજરાત અને ઉતરપ્રદેશના બંને સી.એમ. જુનાગઢ આવવાના હોય વહિવટી તંત્ર આગલા કેટલાક કલાકોથી રીતસર ઉંધે માથે થયું હતું. છેલ્લી ઘડીએ ગુજરાતના સીએમ રૂપાણીનો કાર્યક્રમ રદ થતા તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. જયારે યોગી આદિત્યનાથ મહાશિવરાત્રી કુંભ મેળામાં આવી ગોરક્ષનાથ આશ્રમ અખંડ ધુણાના દર્શન કરી ભસ્મ પ્રસાદ લીધો હતો. તેમજ ભવનાથ મંદિર ખાતે ભવનાથ મહાદેવને જલાભિષેક કરી સંતો સાથે ટુંકી મુલાકાત બાદ પ્રકૃતિધામ ખાતે સભામાં પહોંચ્યા હતા જયાં તેમણે સમરસતા સંમેલન સાથે ધર્મસભા સંબોધી હતી. ધર્મસભા દરમિયાન રાજ, રાગ આલાપી વર્તમાન શાસનના મોં ફાટ વખાણ કર્યા હતા.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ તેમજ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી કુંભમેળામાં હાજરી આપવાના હોય સી.એમ.રૂપાણીનો કાર્યક્રમ કોઈ કારણોસર છેલ્લી ઘડીએ રદ થયા બાદ ઉતરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભવનાથ તીર્થક્ષેત્રમાં આવી પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ સી.એમ. બન્યા બાદ બીજી વખત જુનાગઢ આવ્યા હતા. તેમણે ગોરક્ષનાથ આશ્રમ ખાતે અખંડ ધુણાના દર્શન કરી ભસ્મનો પ્રસાદ લીધો હતો. ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે પહોંચી ભવનાથ મહાદેવને જળાભિષેક કરી ગીરનાર સાધુ મંડળના સંતો સાથે ટુંકી મુલાકાત કરી હતી. ત્યારબાદ પ્રકૃતિધામ ખાતે સમરસતા સંમેલનમાં પહોંચી ધર્મસભા સંબોધી હતી. તેમણે પોતાના પ્રવચનમાં કુંભનું મહત્વ અને કુંભને સૌથી મોટા સમરસતાના પ્રતિક ગણાવ્યા હતા.
તદઉપરાંત સ્વચ્છતા અને દેશની સુરક્ષાને લઈ વિકાસની વાત સાથે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના ઉચ્ચ બંધારણીય પદ પર બેસેલી વ્યકિત કુંભ મેળામાં સફાઈ કર્મચારીઓના પગ ઘુસે એનાથી મોટો બીજો દાખલો સમરસતાનો બીજો કયો દાખલો હોય શકે.
ભારતના દુશ્મન માટે દઢ અને સખત પ્રધાનમંત્રી કેવા હોય છે એ આપણે જોયું બધાના સુખની કામના દેશમાં પહેલીવાર થઈ છે. પ્રત્યેક નાગરિકની એ પણ જવાબદારી છે કે જાતીય અસ્પૃશ્યતાની સંકીર્ણતાને દુર કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનીને આપણે ઉભા રહીએ તેમણે વડાપ્રધાનના સ્વચ્છ ભારતના મિશનને પ્રયાગ રાજના કુંભમાં સાકાર કરવાની અને એજ રીતે ભવનાથના આ કુંભમાં પણ સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મહામંડલેશ્વર, અલખગીરી, પરમાત્માનંદજી, ભાગવત કથા કાર ભાગવત ઋષીજી, મધુસુદન દાસજી તેમજ જગન્નાથ મંદિરના દિલીપદાસજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જુનાગઢ સ્થાનિક રાજકીય આગેવાનોમાં આંગળીના વેઢે ગણાય તેટલા હોદેદારોને મંચ પર સ્થાન મળ્યું હતું. બાકી થોકબંધ આગેવાનો શ્રોતાગણ સાથે સભા માણી હતી. સભામાં મેદની એકઠી કરવા અધિકારીઓ અને પદાધિકારીઓને પરસેવો વળી ગયો હતો. ઉતારાઓમાં જઈ સભામાં આવવા રીતસર કાકલુદી કરવી પડી હતી છતાં પનો ન આંબતા છેલ્લે સ્કુલ કોલેજોના સંચાલકો અને વિદ્યાર્થીઓએ આબરૂ બચાવી હતી.