હેમસ્ટ્રિંગ ઇજાના કારણે વોશિંગટન સુંદર સિરિઝમાંથી બહાર : બીસીસીઆઈની વેબસાઇટમાં સત્તાવાર જાહેરાત
અબતક, કોલકાતા
વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી 20 સીરિઝમાંથી ભારતના યુવા ક્રિકેટર વોશિંગટન સુંદર બહાર થઇ ગયો છે. ત્યારે તેના સ્થાને કોણ આવશે તેની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. વોશિંગટન સુંદરના સ્થાને ટીમ ઇન્ડિયામાં કુલીદપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ પોતાની વેબસાઇટમાં તેની જાહેરાત કરી છે. હેમસ્ટ્રિંગ ઇજાના કારણે વોશિંગટન સુંદર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઈએ જણાવ્યું કે વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે સમયે વોશિંગટન સુંદરને હેમસ્ટ્રિંગમાં ઇજા પહોંચી હતી. ફીલ્ડિંગ સમયે તેની સાથે આવું થયું હતું.
કોલકાતામાં રમાનાર આગામી ટી 20 સીરિઝમાંથી તે બહાર થઇ ગયો છે. ઓલ ઇન્ડિયા સિલેક્શન કમીટીએ કુલદીપ યાદવને તેના રિપ્લેસમેન્ટ માટે ટીમમાં જોડ્યો છે.છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઇજાની સમસ્યા ચાલી આવે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ટી 20 સીરિઝથી પહેલા લોકેશ રાહુલ પણ ઇજાગ્રસ્ત થઇ જતાં તે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તે વન-ડે સીરિઝમાં એક મેચ રમ્યો હતો. તો અન્ય એક ખેલાડી અક્ષર પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હજુ સુધી રિકવર નથી થયો. તે હજુ ક્વોરન્ટાઇનમાં છે. એવામાં ત્રણ ખેલાડીઓ ટી 20 સીરિઝમાંથી બહાર થઇ ગયા છે.બોર્ડના જણાવ્યા અનુસાર વોશિંગટન સુંદરને ઇજામાંથી બહાર આવતા હજુ 3 સપ્તાહ જેટલો સમય લાગી જશે. તેને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રહેવું પડશે. હજુ એક દિવસ પહેલા જ તેને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ખરીદીને પોતાની ટીમમાં જોડ્યો હતો.
વિન્ડિઝ વિરુદ્ધ ઉતરનારી ભારતીય ટીમ
રોહિત શર્મા (સુકાની), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, રિષભ પંત (ઉપસુકાની), વેંકટેશ પ્રસાદ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રુતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને કુલદીપ યાદવ.