સગાઇ થાય તે પૂર્વે હત્યા થતા પરિવારમાં આક્રંદ: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તિક્ષ્ણ

હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યું: એલસીબીએ એકની કરી અટકાયત

પોરબંદર નજીક આવેલા કુછડી ગામની સીમમાંથી છ દિવસ પહેલાં લોહીલુહાણ હાલતમાં કોલેજીયન યુવતીની લાશ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયાનો તબીબોએ અભિપ્રાય આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની શંકા સાથે તપાસ હાથધરી હત્યાના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની અટકાયત કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના સોઢાણા વતની અમદાવાદમાં ચીમનભાઇ પટેલ કોલેજમાં એમ.બી.એ.માં અભ્યાસ કરતી વનિતા ઉર્ફે વિરૂ રણજીતભાઇ પરબતભાઇ કારાવદરા નામની ૨૧ વર્ષની મેર યુવતીની કુછડી ગામે વેકેશનમાં આવ્યા બાદ તેણી ગામની સીમ વિસ્તારના રીંણાવાડા રોડ પરથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

પોરબંદર હાર્બલ પોલીસ મથકના સ્ટાફે વનિતાબેન ઉર્ફે વિરૂના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા તિક્ષ્ણ હથિયારથી છાતી અને ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરાયાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી હત્યાનો ભેદ ઉકેલવા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. દરજી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

મૃતક વનિતાબેન ઉર્ફે વિરૂ ત્રણ બહેન અને એક ભાઇમાં સૌથી મોટી હોવાનું અને અમદાવાદ ચીમનભાઇ પટેલ કોલેજમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. તેણી વેકેશન હોવાથી કુછડી ગામે વતન આવી હતી ત્યારે તેણીની સગાઇ કુતિયાણાના દુદાભાઇ ઓડેદરાના પુત્ર કિશન સાથે નક્કી કરી આગામી તા.૨૬ મેના રોજ સગાઇ વિધી નક્કી કરી હતી.

ગત તા.૫ મેના રોજ વનિતા ઉર્ફે વિરૂ પોતાના ઘરેથી ગુમ થયા બાદ કુછડીના સીમ વિસ્તારમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવ્યાની હાર્દિક કારાવદરાએ પોતાના પિતા રણજીતભાઇ કારાવદરાને જાણ કરતા હોસ્પિટલ લઇ જવાનું કહ્યા બાદ રણજીતભાઇ પણ હોસ્પિટલ પહોચી ગયા હતા.

ત્યારે તેણીનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબોએ હત્યાનો અભિપ્રાય આપતા પોલીસે મૃતક વનિતાની હત્યા અંગે તેના પિતા રણજીતભાઇ કારાવદરાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું અને હત્યામાં હાર્દિક મોઢવાડીયા નામનો શખ્સની સંડોવણી હોવાનું બહાર આવતા એલસીબી સ્ટાફે તેની અટકાયત કરી પૂછપરછ હાથધરવામાં આવી છે. હાર્દિક મોઢવાડીયા મૃતક વનિતા ઉર્ફે વિરૂનો પૂર્વ પ્રેમી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.