- હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિમાં ગુજરાતને ગૌરવશાળી સન્માન પ્રાપ્ત થયુ
ટુરીઝમ ડેવલપમેન્ટ બદલ ગુજરાતે ફરીથી વધુ એક સિધ્ધિ મેળવી છે. શ્રેષ્ઠ ટુરીઝમ માટે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ ઈન્ડિયન ઈનિશિએટીવ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત પ્રવાસનને પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કારથી સન્માનિત કરાયુ છે. હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયુ છે. આ એવોર્ડ, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાતના નોંધપાત્ર પ્રદર્શનને ઉજાગર કરે છે. પર્યટન માળખાને વધારવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતે છેલ્લા દાયકાઓમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. તાજેતરના આંકડાઓ એશિયા પેસિફિક ક્ષેત્રના કુલ 230 મિલિયનમાંથી 7.2 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સાથે વૈશ્વિક પ્રવાસન લેન્ડસ્કેપમાં ભારતનું નોંધપાત્ર યોગદાન દર્શાવે છે. 2022માં ભારતના જીડીપીમાં મુસાફરી અને પર્યટન ક્ષેત્રનું સીધું આર્થિક યોગદાન યુએસડી 247 બિલિયન હતું,
જેમાં 87 ટકા માત્ર સ્થાનિક મુસાફરી ખર્ચમાંથી ઉદ્ભવ્યું હતું. હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટ 2024માં માથાદીઠ જીએસડીપી, પ્રવાસીઓની સંખ્યા, બિઝનેસ કરવામાં સરળતા, બ્રાન્ડેડ હોટલ રૂમ, રોડ અને રેલવે – ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સાક્ષરતા દર, માર્કેટિંગ પ્રયાસો સહિત વિવિધ પરિમાણોમાં 30 ભારતીય રાજ્યોનું મૂલ્યાંકન કરાયુ હતુ. જેમાં ગ્રીન કવર સહિતના વિવિધ માપદંડોના આધારે, ગુજરાતે ગોવા અને મહારાષ્ટ્રને પાછળ છોડીને આગળ રહીને ટોચનું સ્થાન મેળવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, 2019માં ગુજરાતનું 7મુ સ્થાન હતુ જે હવે 2024માં પ્રથમ સ્થાને પહોંચી ગયુ છે. જે દર્શાવે છે કે, ગુજરાતે પ્રવાસનને અનેક ગણુ પ્રોત્સાહન આપીને આ સિધ્ધિ મેળવી છે. અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઝડપી વિસ્તરી રહ્યું છે.નવા નવી ઈનોવેશન તેમજ ફરવાના સ્થળે કરાયેલી વિવિધ સુવિધાઓને કારણે દેશ-વિદેશના સહેલાણીઓ ગુજરાત આવવા માટે આર્કષાઈ રહ્યા છે.
પ્રવાસીઓ-રોકાણકારોને સલામત અને સુરક્ષિત વાતાવરણ પુરૂ પાડ્યું
ઇકો-ટુરીઝમ અને વાઇલ્ડલાઇફના વિકાસ માટે પણ સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કચ્છનું રણ, ગીર નેશનલ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ પ્રેમીઓને આકર્ષિત કર્યા છે , જે આ પ્રદેશની વિવિધ વનસ્પતિ- પ્રાણીસૃષ્ટિને નિહાળવાની અપ્રતિમ તકો પુરી પાડે છે. શિવરાજપુર, દ્વારકા, માંડવી અને સોમનાથ જેવા ગુજરાતના દરિયાકિનારાના વિકાસે પ્રવાસન ક્ષેત્રે મોટી લોકપ્રિયતા મેળવી છે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યવસાયની અનેકવિધ તકોના પરિણામે રોકાણની સંભાવનાઓ વધારી દીધી છે. આ ઉપરાંત ગુજરાતે ઇવેન્ટ ટુરિઝમમાં આગવું નામ પ્રસ્થાપિત કર્યુ છે. જેમાં વર્ષ દરમિયાન જી-20, નવરાત્રિ, આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ, તાનારીરી મહોત્સવ તેમજ રણોત્સવ જેવી ઇવેન્ટ્સના પરિણામે ચોક્કસ સમયગાળા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આટલું જ નહી પણ પ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકારની યોગ્ય પ્રવાસન નીતિઓ અને પ્રોત્સાહનની સાથે પ્રવાસીઓ-રોકાણકારોને સલામત અને સુરક્ષિત વાતાવરણ પુરૂ પાડ્યું છે.