- ભાજપની દિશા અને દશા “ક્ષત્રિયો” બદલી નાખશે?
- ક્ષત્રિય સમાજની 92 સભ્યોની કોર કમિટીનો એક જ સુર, માફી કોઇ કાળે નહીં પરષોતમ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની “રાજહઠ”
- રાજકીય “દરબાર” ક્ષત્રિયોનો વટ જળવયાય રહે તેવા કોઈ આગેવાન નથી?: હવે મામલો દિલ્હી દરબારમાં, બે-ત્રણ દિવસમાં મોટા નિર્ણયની સંભાવના
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણીનો મુદ્ો હવે ચિનગારીમાંથી વિનાશક આગમાં પરિવર્તીત થઇ ગયો છે. ત્રણ-ત્રણ વાર માફી માંગવા છતા ક્ષત્રિય સમાજ કોઇ કાળે ઝૂકવા તૈયાર નથી. ઘસાતા નિવેદનના બદલામાં ક્ષત્રિયોને “તાસક” રૂપાલાના માથા અર્થાત્ ટિકિટ રદ્ કરવા સિવાય કશું જ ખપતુ નથી. ભાજપની સ્થિતિ હાલ “હા પાડે તો હાથ કંપાય અને ના પાડે તો નાક કંપાય” જેવી બની જવા પામી છે. હવે આ મુદ્ે કોઇ બેઠક ન કરવાની ઘોષણા પણ ક્ષત્રિય આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિવાદ વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
પરષોત્તમભાઇ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બબ્બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. જ્યારે બે દિવસ પૂર્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર.પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી લીધી હોવા છતા વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.
વિવાદ ઉકેલવા ગઇકાલે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપુત ભવન ખાતે ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના 92 આગેવાનોની કોર કમિટીની ટીમ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે.જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કેસરીદેવસિંહ ઝાલા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મનામણા છતા ક્ષત્રિય સમાજના આગેવાનો માત્ર એક જ વાત પર અડગ રહ્યા હતા કે માફી હરગીઝ ખપતી નથી. પરષોત્તમભાઇ રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે તેવી માંગ બૂલંદ બનાવવામાં આવી હતી.
સામાન્ય રિતે ભાજપ દ્વારા ઉમેદવારના નામ જાહેર થયા બાદ કોઇ વિવાદ સર્જાતો નથી પરંતુ આ વખતે ખૂદ ઉમેદવારના બગડેલા બોલે વિવાદ ઉભો કર્યો છે. ભાજપને પરષોત્તમભાઇની ટિકિટ કાંપવા સામે કોઇ વાંધો નથી. પરંતુ પક્ષ માટે “ડોશી મરે તેનો વાંધો નથી પરંતુ જમ ઘર ભાળી ન જવો જોઇએ” તે તાલ સર્જાય જવાની ભીતિ છે.
હાલ ભાજપમાં ક્ષત્રિય સમાજનો એકપણ આગેવાન એવો નથી જે આ વિવાદમાં મધ્યસ્થી કરે તો મામલો શાંત પડી જાય. ભાજપમાં ક્ષત્રિય સમાજ માટે મોટુ વેક્યુમ ક્રિએટ થયું છે પરંતુ તેનો લાભ લઇ શકે તેવા કોઇ આગેવાન પક્ષમાં ન હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટી જો હવે કોઇ જ મીટીંગ નહીં કરવાનો નિર્ણય લીધો હોય મામલો દિલ્હી દરબારમાં પહોંચી ગયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દિલ્હીની મૂલાકાતે જઇ રહ્યા હોય તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતના પક્ષના મોટા નેતાઓને મળશે અને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે હાઇકમાન્ડની માહિતગાર કરી શકે છે.
હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમભાઇ રૂપાલા વિરૂધ્ધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જો ભાજપ દ્વારા બે-ચાર દિવસમાં કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો વિરોધ વકરી શકે છે.
ગોતામાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાશે રાજકોટમાં મહા સંમેલનની તૈયારી
ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ માટે તૈયાર
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા સામે ચાલતા આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે ક્ષત્રિયો સમાજે હવે આરપારની લડાઇની તૈયારીઓ આરંભી દીધી છે. ગોતા સ્થિત રાજપુત ભવન ખાતે એક વિશેષ ક્ધટ્રોલ રૂમ શરૂ
કરવામાં આવશે. દરમિયાન આગામી દિવસોમાં રાજકોટ ખાતે ક્ષત્રિયોનું એક મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં પાંચ લાખથી વધુ લોકોને એકત્રિત કરવામાં આવશે. આંદોલનને અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવાની વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે. રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે તે માંગને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જો ભાજપ આવું નહી કરે તો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાનનું અભિયાન ચલાવશે.
રાજકોટમાં સાંજે પાટીદાર સમાજની ચિંતન બેઠક
ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા સામે ચલાવવામાં આવી રહેલા આંદોલનમાં હવે પાટીદાર સમાજ પણ સામે આવ્યું છે. આજે રાજકોટ ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેને ચિંતન બેઠક નામ આપવામાં
આવ્યું છે. આ બેઠકમાં કડવા અને લેઉવા પટેલ પાટીદાર સમાજના આગેવાનો ખાસ હાજરી આપશે અને આગામી રણનીતી તૈયાર કરશે.