સોશિયલ મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજના આગેવાનોને આગળ આવવા અપીલ
જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાને રૂબરૂ મળી વિવાદનો અંત લાવવા મધ્યસ્થી કરશે: જરૂર પડે સંમેલન બોલાવાશે
ગોંડલ ધારાસભાની ચૂંટણીની ટિકિટના મુદે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે થયેલા વિવાદ વધુ વકરી રહ્યો હોવાથી બંને વચ્ચે સમાધાનનો સેતુ રચવા માટે આંતર રાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી.ટી.જાડેજા આગળ આવ્યા છે. જરૂર પડે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના આગેવાનોને મળી બંને જુથ્થ વચ્ચે થયેલો વિવાદનો સુખદ અંત લાવી ઘીના ઠામમાં ઘી પડી રહે તે માટે આવકાર્ય પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જરૂર પડે રાજપૂત સમાજનું સમેલન બોલાવવાની પણ તેઓએ તત્પરતા દાખવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જાડેજાના થયેલા વિજય બાદ બંને જૂથ્થ વચ્ચેની વોર ચરમસીમા પર પહોચી હોવાથી સમાજ એક થઇ આગળ વધે તેવા સારા ઉદેશ સાથે બંને વચ્ચે બહુ ઝડપથી સમાધાન થાય તે માટે પી.ટી.જાડેજાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજના આગેવાનોને અપીલ કરી છે.
ગોંડલમાં રાજપૂત સમાજની જુદી જુદી ચાર સંસ્થાના આગેવાનોની આજે ગોંડલ ખાતે જ પી.ટી.જાડેજાએ એક મિટીંગનું આયોજન કર્યુ છે. તેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાવવા અંગેની ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ આવતીકાલે રાજકોટ ખાતે શ્રી હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ખાતે ભુતર્પૂવ વિદ્યાર્થી દ્વારા ત્રિ-વિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પુરો થયા બાદ સમાજના આગેવાનો સાથે ગોંડલ અને રીબડા જૂથ્થના સમાધાન અંગેની ફોમ્યુલા ઘડવામાં આવશે. જરૂર પડશે તો ક્ષત્રિય સમાજનું મહાસમેલન બોલાવવાનું પણ વિચારવવામાં આવી રહ્યું છે.