- બુથ-તાલુકા અને જિલ્લા મુજબ સમિતિની રચના કરાશે : ધર્મરથ મારફત ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે
પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરાયેલા એક નિવેદન બાદ ઉભો થયેલો વિવાદ હવે શમવાનું નામ નથી લઇ રહ્યું. ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીમાં પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ પરત ખેંચી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. જે અલ્ટીમેટમ પૂર્ણ થઇ જતાં અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની 120 સંસ્થાઓની બેઠક મળી હતી અને તેમાં પાર્ટ-2ના આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરીષદનું સંબોધન કરી પાર્ટ-2 આંદોલનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ખાસ તો ક્ષત્રિય સમાજ 8 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવી જ દેશે તેવા સંકલ્પ સાથે આગળ ધપી રહ્યો છે.
ક્ષત્રિયોએ હવે રૂપાલા અને ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે. ક્ષત્રિય સમાજે હવે ભાજપને આપેલા અલ્ટીમેટમનો સમય પૂરો થઈ ગયો છે. ત્યારે હવે ક્ષત્રિયોએ તલવાર તાણી છે. ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ-2 ની શરૂઆત થઈ ગઈ છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણએ કહ્યું કે, આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે. અલગ અલગ ઝોનમાં ધર્મરથ રથ કાઢી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવાશે. આમ, ભાજપની જાહેરસભામાં ક્ષત્રિય સમાજે વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. સાથે જ ભાજપ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવે છે તે મુદ્દે પીટી જાડેજાએ રદિયો આપ્યો છે.
ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ 2ની શરૂઆત કરી છે. અમદાવાદ ખાતે ક્ષત્રિય સંકલન કમિટી દ્વારા પાર્ટ 2 શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આણંદ અને વડોદરામાં ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરશે. ક્ષત્રિય સમાજના મોટા મતદારો આ બન્ને લોકસભા બેઠકો પર છે. આગામી દિવસોમાં તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવશે. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કર્યું છે.
સાથે જ તેમણે કહ્યું કે, એક સાથે 400 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવે તો અમારા મત ડિવાઈડર થઈ જાય એટલે ઉમેદવારી ફોર્મ ન ભર્યા. અમારા સમાજમાં કોઈ ભાગલા પડ્યા નથી. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે. ક્ષત્રિય સંકલન કમિટી કોઈ રાજકીય પ્રેરિત નથી
સાથે જ તેમણે આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાની વાતને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, આંદોલન સમાજ ચલાવે છે, નહીં કે કોંગ્રેસ. ભાજપ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવે છે તે મુદ્દે રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે, 8 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે. ક્ષત્રિય સંકલન કમિટી કોઈ રાજકીય પ્રેરિત નથી.યુવરાજસિંહ રાજકીય આગેવાન હોવાનું પી. ટી. જાડેજાએ નિવેદન આપ્યુ છે. ત્યારે પી. ટી.જાડેજાના નિવેદન અંગે યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પી.ટી.જાડેજાનો આ અંગત મત હોઈ શકે છે. કોર કમિટીમાંથી મારા માટે આવું નિવેદન આપવામાં આવે તો વિચારવું પડે. સમાજના હું દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહું છું. સમાજના કોઈપણ કાર્યક્રમમાં હું ટોપી, ખેસ કે અન્ય કોઈ રાજકીય વાતો કરતો નથી. પી.ટી.જાડેજા હોય કે કોર કમિટીના સભ્યો આડકતરી રીતે ભૂતકાળમાં અથવા હાલમાં અલગ પાર્ટીમાં જોડાયેલા હતા. કોઈપણ વ્યક્તિને બદલે મૂળ મુદ્દાને ધ્યાન આપવું જરૂરી છે.
પદ્મિનીબાએ આપેલું નિવેદન વ્યક્તિગત : પી ટી જાડેજા
પી ટી જાડેજાએ પદ્મિનીબા દ્વારા આપવામાં આવેલા નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ઘણીવાર નિવેદનો આપવા પાછળ વ્યક્તિગત કારણો જવાબદાર હોય છે ત્યારે તેમણે આપેલું નિવેદન બિલકુલ વ્યક્તિગત છે. પદ્મિનીબાનો સંકલન સમિતિમાં સમાવેશ કરવો કે નહીં તે નિર્ણય સમિતિ કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરાશે : ટીકુભા
ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા)એ જણાવ્યું હતું કે, હાલ સમાજ બૌદ્ધિક લડાઈ લડી રહ્યું છે પરંતુ જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. હાલ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા સમિતિઓની રચના કરાઈ રહી છે. ને દિવસમાં ધર્મરથ તૈયાર થઇ જશે. આ રથ ખોડલધામ પણ જશે અને ત્યાં પણ બેઠક યોજાશે. તેમણે કહ્યું હતું કે, પાટીદાર આગેવાનો નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો સાથે પણ બેઠક યોજાશે.