- સાવરકુંડલા, અડતાલા, માયાપાદર, ચોટીલા, ભાયાવદર સહિતના કાઠી ક્ષત્રિય સમાજના રાજવી પરિવારોએ પત્રકાર પરીષદ યોજી જાહેરાત કરી
પરસોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ પોતાની વાત પર મક્કમ છે. ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે રતનપર ગામે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. તેવામાં ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોતમ રૂપાલાને સમર્થન આપવાની જાહેરાત કરાયા બાદ કાઠી સમાજના યુવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજના રાજવી પરિવારોએ આજે ગરાસિયા બોર્ડિંગ ખાતેથી પત્રકાર પરીષદ સંબોધી ક્ષત્રિય આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.
હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે સાવરકુંડલા સ્ટેટ પ્રતાપભાઈ ખુમાણ, અડતાળાના જીતેન્દ્રભાઈ વાળા, માયાપાદરના વાજસુરભાઈ વાળા, સનાળાના વીરેન્દ્રભાઈ વાળા, સૂર્યપ્રતાપગઢના પ્રકાશભાઈ વાળા, ચોટીલાના જયવીરસિંહ ખાચર, ભાયાવદરના કુલદીપભાઈ વાળા, ડેડાણના પ્રતાપસિંહ કોટીલા, આણંદપરના સત્યેન્દ્રસિંહ ખાચર અને વાવડી રામ વાળાના વંશજ ભરતભાઈ વાળાની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજવી પરિવારોએ જણાવ્યું હતું કે, ગઈકાલે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી પરસોતમ રૂપાલાને સમર્થન આપ્યું હતું. જે લોકો પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા તે તમામ અમારા ભાઈઓ જ છે, અમારે અંદરોઅંદર કોઈ જ વિખવાદ પણ નથી પરંતુ તેમણે જે વાત રજૂ કરી તે અર્ધસત્ય છે.
સાવરકુંડલા સ્ટેટ પ્રતાપભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, કાઠી ક્ષત્રિય સમાજ મોટો સમાજ છે અને આટલા મોટા સમાજનો ઠેકો કોઈ વ્યક્તિ ન લઇ શકે. તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય અને કાઠી એક જ સિક્કાની બે બાજુ છે અને રાજા-મહારાજા તેમજ અમારી બહેન-દીકરીઓ માટે વપરાયેલા શબ્દો બિલકુલ અયોગ્ય છે. અમારી મહિલાઓ ઘરની બહાર પણ પગ મુકતા ન હોય અને આજે જયારે તે જ બહેનો રસ્તા પર ઉતરી હોય ત્યારે આ મુદ્દે સમર્થન આપવાની કોઈ વાત જ આવતી નથી.
સૌરાષ્ટ્રનક કાઠી સમાજ પરસોતમ રૂપાલાણે સમર્થન આપતો નથી. અમને ભાજપ સાથે કોઈ જ પ્રશ્ન નથી, અમારો વિરોધ માત્ર પરસોતમ રૂપાલા સામે છે. આ આંદોલન ચાલુ જ રહેશે અને અમે સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તો તેની જવાબદારી શીર્ષ નેતૃત્વની રહેશે તેવું પણ પ્રતાપભાઈ ખુમાણે જણાવ્યું હતું.
વધુમાં રાજવીઓએ જણાવ્યું હતું કે, સમર્થન આપવા મુદ્દે કાઠી સમાજ સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. ચર્ચા વિના જ સમર્થન આપવાની જાહેરાત કરી દેવાઈ હતી. જેના લીધે કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોની લાગણી ઘવાઈ છે. કોઈ એકના કહેવાથી સમાધાન થઇ જતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાઠી સમાજના યુવાનોની લાગણીણે ભયંકર ચોટ પહોંચી છે.
પત્રકાર પરિષદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જે આગેવાનોએ સમર્થન જાહેર કર્યું તેમને દબાણ કરવામાં આવ્યું હશે જેના લીધે જ સમાજથી વિપરીત વાત કરવામાં આવી હશે.