સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે. આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે. જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ પાંચમે આઠમાં દિવસે એટલે કે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી આવે છે આમ આઠ દિવસ ચાલતું આ પર્યુષણ પર્વ છે. સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ. બીજાને ક્ષમા આપીને અને પોતાનાથી થયેલ ભૂલ બદલ ક્ષમા માગીને હૃદ્યમાંથી વેરઝેરના ચરાને કાઢી આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા માટેનો આ દિવસ છે.
પ્રેમ અને ક્ષમાનું અમોધ શસ્ત્ર રાખનાર વ્યક્તિ સમશેર વિના પણ સમરાંગણ જીતી શકે છે એવો આ પર્વ આપણને સંદેશ આપે છે. ક્રોધથો. બળતો ચંડકૌશિક સાપ ફોધનું ઝેર ઓક્તો, ફૂંફાડા મારતો પ્રભુ મહાવીરને દંશ મારવા આવ્યો પણ ક્ષમાના અવતાર પ્રભુ મહાવીરને જોતાંજ તેનો ક્રોધ શમી ગયો. તેણે પ્રભુને દંશ દીધો ત્યારે પ્રભુના શરીર માંથી રક્તને બદલે શ્વેત દૂધની શીતળ ધારા વહી. આ છે ક્ષમા.!
અર્જુનમાળી રોજરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત-સાત જીવહત્યા કરનાર દુષ્ટ આત્મા હતો, પરંતુ વીરપ્રભુના સત્સંગથો અને પ્રભુના ક્ષમાબળથી તેણે જીવહિંસા છોડી દીધી અને પ્રભુના સેવક બની મુનિ બની ગયા. આમ તેઓ સંસાર તરી ગયા.
ક્ષમાથી દ્વેષના દુઝતા ધા રૂઝાઈ જાય છે, ક્ષમાવાન જગતના ઝેરને પણ પચાવી જાણે છે. તેણે ક્યાંય હારવું પડતું નથી. ક્ષમા છે ત્યાં કરૂણા, કોમળતા, મૈત્રી, માધુરી, પ્રેમ અને પુરષાર્થ છે. ક્રોધાગ્નિમાં આ બધાંજ ગુણો બળી જાય છે પરંતુ ક્ષમા એ તો ક્રોધાગ્નિને પણ ઠારી નાખતું શીતળ ગંગાજળ છે. આમ બે તૂટેલા હૃદયને જોડવાનો સેતુ એ ક્ષમા છે માટે સંવત્સરી મહાપર્વનો મુખ્ય સંદેશ છે કે સર્વને ક્ષમા આપો. અને ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરો’ એ રીતે સદાય મિત્રતાનું ઝરણ બીજા માટે વહાવતા રહો.
ગજસુકુમાર મુનિના માથ અંગારા મુકાયા હતા, મેતારક મુનિના માથ વાધર (ચામડાનો પટ્ટો) વીંટાઈ, ખંધકમુનિના પાંચસો શિષ્યોને કષ્ટ પડયું છતા આ સૌ મુનિઓએ આંખનો ખૂણો લાલ કર્યા વિના દુ:ખ દેનાર પર પણ સમભાવ રાખ્યો હતો. ઈસુખ્રિસ્તને જેઓએ ખીલા સહિત જડી દીધા તેમના વતી પણ ઈસુએ ક્ષમા માંગતા કહયું હતું, “હે પ્રભુ! તું એમને ક્ષમા કરજે, એ નથી જાણતા કે એ શું કરી રહયા છે!” આ છે ક્ષમાપના !
જૈન સંપ્રદાયમાં દેરાવાસી જૈનો ભાદરવાસુદ ચોથ અને સ્થાનક્વાસી જૈનો ભાદરવાસુદ પાંચમના દિવસે સંવત્સરી ઉજવે છે. સંવત્સરીએ તેઓ ઉપવાસ અથવા એકાસણું, આયંબિલ કરે છે. અને શક્ય તેટલા ઓછાં પાપ કાયો કરવાનો સંકલ્પ કરે છે. તથા છકાયના જીવો એટલે કે માટી, જમીન, પાણી, અગ્નિ, પવન, વનસ્પત્તિ એમ સૃષ્ટિના સમગ્ર જીવોને અભયદાન આપે છે. કોઈ કોઈ તો આ દિવસે પૌષધ પણ કરે છે પૌષધ એટલે એક દિવસ અને એક રાત્રિ નિર્જળા રહીને ઉપાશ્રયમાંજ રહી વધુને વધુ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સંવત્સરીના બીજા દિવસે બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપસ્યા કરનાર તપસ્વી ગુંદની રાબ કે મગનું પાણી વગેરે પ્રવાહી લઈને પારણાં કરે છે. જે કાંઈ વિતરાગની આજ્ઞા વિરૂદ્વી થયું હોય તો – “મિચ્છામિ દુક્કડમ્”
– સંકલન : પ્રદિપ ખીમાણી, જૂનાગઢ