- ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ ગેરંટી આપી પ્રધાનમંત્રી આવાસનો કોન્ટ્રાકટ મેળવી લેવાયો
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક કૌભાંડ સામે આવ્યું છે. મનપાનું ટેન્ડર મેળવવા માટે રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચર પેઢીએ બોગસ બેંક ગેરંટી આપીને કૌભાંડ આચરી લીધાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે ઇન્દોર મહાનગરપાલિકાના અધિકારી પોતે જ ફરિયાદી બન્યા છે અને મામલામાં ગુનો દાખલ કરી કૃણાલ સ્ટ્રક્ચર પેઢીના જવાબદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા અરજી આપવામાં આવી છે. હાલ ઇન્દોરની સેન્ટ્રલ કોતવાલી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બાંગરડામાં બની રહેલા સાતપુરા બિલ્ડીંગના નિર્માણમાં ગરબડ થયાનું સામે આવ્યું છે. આ કૌભાંડ રાજકોટની કોન્ટ્રાક્ટર પેઢી કુણાલ સ્ટ્રક્ચર (ઈન્ડિયા) પ્રા.લી.એ આચર્યાનું સામે આવ્યું છે. આ પેઢીએ ટેન્ડર મેળવવા માટે થાણેની એક ખાનગી બેંકની રૂ. 8.50 કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટી આપી હતી અને ત્યારબાદ સમયાંતરે પેમેન્ટ પણ ઉઘરાવી લીધું હતું.
સમગ્ર મામલામાં મેયર પુષ્યમિત્ર ભાર્ગવના નિર્દેશ પર કોર્પોરેશન ઓફિસર શુક્રવારે રાત્રે સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટર પેઢી કૃણાલ સ્ટ્રક્ચર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા અરજી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે 8 સપ્ટેમ્બર 2017ના રોજ કંપની સાથે 100 કરોડ રૂપિયાથી વધુના આ પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો અને પેઢીએ કામ પણ શરૂ કરી દીધું હતું.
દરમિયાન, કંપનીએ તેમના પર 5 ટકા સિક્યોરિટી ડિપોઝિટ કાપીને બિલ પણ ચૂકવ્યા હતા. તાજેતરમાં, જ્યારે કંપનીએ આ 5 ટકા રકમ પરત કરવાનું કહ્યું, ત્યારે અધિકારીઓએ બેંક ગેરંટીની તપાસ કરી હતી. ત્યારે બેંકની ઈન્દોર શાખામાંથી ગેરંટી સંબંધિત દસ્તાવેજોની માંગણી કરવામાં આવી ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે, બેંક દ્વારા આવી કોઈ બેંક ગેરંટી આપવામાં આવી જ નથી.
મેયર ભાર્ગવે મામલામાં કહ્યું છે કે, કૃણાલ સ્ટ્રક્ચર પેઢી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન પબ્લિક અફેર્સ કમિટીના ઈન્ચાર્જ રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર મામલામાં અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા છે. અમે અલગથી તપાસ પણ કરીશું.
અરવિંદ દોમડીયા અને કૃણાલ દોમડીયાની પેઢી છે કૃણાલ સ્ટ્રક્ચર
રાજકોટમાં બિલ્ડર લોબીમાં ખુબ મોટું નામ ધરાવતા અરવિંદભાઈ અમૃતલાલ દોમડીયા અને તેમનો પુત્ર કૃણાલ દોમડીયા કૃણાલ સ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર છે. આ પેઢી અગાઉ રાજકોટથી ચાલતી હતી પણ થોડા વર્ષો પૂર્વે અરવિંદભાઈ દોમડીયા અમદાવાદ સ્થાયી હતા અને બોડકદેવમાં રાજપથ ક્લબ નજીક કૃણાલ સ્ટ્રક્ચરની ઓફિસ શરૂ કરી હતી.
ઇન્દોરના મેયરે ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યા
મામલામાં મેયર પુષ્યમિત્ર ભાર્ગવના નિર્દેશ પર કોર્પોરેશન ઓફિસર શુક્રવારે રાત્રે સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટર પેઢી કૃણાલ સ્ટ્રક્ચર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા અરજી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે 8 સપ્ટેમ્બર 2017ના રોજ કંપની સાથે 100 કરોડ રૂપિયાથી વધુના આ પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો અને પેઢીએ કામ પણ શરૂ કરી દીધું હતું.