ગુજરાત, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં રૂ.1100 કરોડના ખર્ચે ત્રણ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત
નેશનલ ન્યૂઝ
દેશમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણનું પ્રમાણ વધારી તેની કિંમત નીચે લઈ આવવા સરકાર પ્રયત્નશીલ છે. જેને પગલે કૃભકો દ્વારા ત્રણ રાજ્યોમાં રૂ. 1100 કરોડના ખર્ચે ઇથેનોલના પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક પ્લાન્ટ હજીરામાં પણ સ્થપવામાં આવનાર છે.
ક્રિશક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (કૃભકો) મકાઈ અને તૂટેલા ચોખાનો ઉપયોગ કરીને ત્રણ ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ. 1,100 કરોડનું રોકાણ કરી રહી છે. આ ત્રણેય પ્લાન્ટ ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 250 કિલો લિટર પ્રતિ દિવસની ક્ષમતા સાથે સ્થાપવામાં આવી રહ્યા છે.
કૃભકોના ચેરમેન ચંદ્ર પાલ સિંહે જણાવ્યું હતું કે, અમે અમારી વૈવિધ્યકરણ યોજનાના ભાગરૂપે ત્રણ બાયો-ઇથેનોલ પ્લાન્ટ્સ સ્થાપી રહ્યા છીએ. કૃભકોના મેનેજિંગ ડિરેક્ટર રાજન ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ્સ આવતા વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. અમે આ ત્રણેય પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ. 1,100 કરોડનું રોકાણ કરી રહ્યા છીએ. અમે ફીડસ્ટોક તરીકે મકાઈ અને તૂટેલા ચોખા જેવા અનાજનો ઉપયોગ કરીશું, તેમ અંતમાં ચૌધરીએ કહ્યું હતું.ચૌધરીએ જણાવ્યું હતું કે સહકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે ઇથેનોલ સપ્લાય કરશે.
કૃભકોએ ગુજરાતના હજીરા, આંધ્રપ્રદેશના નેલ્લોર અને તેલંગાણાના જગતિયાલ ખાતે ત્રણ બાયો ઇથેનોલ પ્રોજેક્ટ સ્થાપવા માટે 100 ટકા માલિકીનું સ્પેશિયલ પર્પઝ એકમ કૃભકો ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની રચના કરી છે. તેના નવીનતમ વાર્ષિક અહેવાલ મુજબ, એસપીવીને ત્રણેય પ્રોજેક્ટ્સ માટે વ્યાજ સબવેન્શન સ્કીમ માટે પર્યાવરણીય મંજૂરી તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. એસપીવીએ એક્સેલ એન્જિનિયર્સ અને ક્ધસલ્ટન્ટ્સને ત્રણેય બાયો ઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે લમ્પ સમ ટર્ન કી કોન્ટ્રાક્ટ એનાયત કર્યા છે.
નાણાકીય મોરચે, સારા વેચાણ પર કૃભકોની કુલ આવક ગયા નાણાકીય વર્ષમાં 95 ટકા વધીને રૂ. 25,715.07 કરોડ થઈ હતી અને તેણે 20 ટકાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. અગાઉના વર્ષમાં કુલ આવક રૂ. 13,194.50 કરોડ હતી. તાજેતરમાં અહીં તેની 43મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા, કૃભકોના ચેરમેન સિંઘે જણાવ્યું હતું કે સહકારીએ 2022-23માં રૂ. 763.16 કરોડનો કર પૂર્વેનો નફો મેળવ્યો હતો. અગાઉના વર્ષમાં ટેક્સ પહેલાંનો નફો રૂ. 1,493.26 કરોડ હતો. સહકારીએ વર્ષ માટે ઇક્વિટી કેપિટલ પર 20 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે અને મેનેજમેન્ટે ડિવિડન્ડ આઉટગો માટે રૂ. 77.68 કરોડ મંજૂર કર્યા છે. કૃભકોની નેટવર્થ ગયા નાણાકીય વર્ષમાં વધીને રૂ. 5,128.61 કરોડ થઈ છે જે નાણાકીય વર્ષ 22 માં રૂ. 4,643.10 કરોડ હતી.
કૃભકોના કુલ સભ્યપદમાં 9,470 સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. 31મી માર્ચ, 2023ના રોજ સોસાયટીની ચૂકવેલ શેર મૂડી રૂ. 388.62 કરોડ હતી. 2022-23 દરમિયાન કૃભકોનું યુરિયા ઉત્પાદન 22.21 લાખ ટન હતું અને એમોનિયા ઉત્પાદન 13.24 લાખ ટન હતું, જેમાં અનુક્રમે 101.20 ટકા અને 106.16 ટકા ક્ષમતાનો ઉપયોગ થયો હતો. તેણે 2022-23 દરમિયાન 57.08 લાખ ટન ખાતર (યુરિયા તેમજ જટિલ ખાતર)નું વેચાણ કર્યું હતું. તેની કામગીરીમાં વૈવિધ્ય લાવવા માટે, કૃભકો એ બે સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ કૃભકો એગ્રી બિઝનેસ લિમિટેડ અને કૃભકો ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ કર્યો છે.તેની કામગીરીના પહેલા જ વર્ષમાં, કેએબીએલ એ રૂ. 200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે.
હાલ પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણનું પ્રમાણ 12 ટકા, 2025માં તેને 20 ટકા કરાશે
હાલમાં, પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ 12 ટકા છે. સરકાર આ મિશ્રણનું પ્રમાણ વધારીને પેટ્રોલના ભાવ નીચા લઈ આવવા પ્રયાસ કરી રહી છે. એક અહેવાલ મુજબ સરકાર વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણનું પ્રમાણ 20 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે જેને પગલે ભવિષ્યમાં ઇથેનોલની જરૂરિયાત પણ વધવાની છે.