ધોરાજીમાં ઓકિસજનની સુવિધા સાથે 70 બેડની હોસ્પિટલ તૈયાર
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. ધોરાજી સબ હોસ્પિટલમાં ઓકિસજનની સુવિધા સાથે 70 બેડની હોસ્પિટલમાં તબીબો 24 કલાક સેવા આપી રહ્યા છે. ધોરાજીમાં 42 કોવીડ દર્દીઓ દાખલ છે. જેમાં 21 ઓકિસજનની પર છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 28 બેડ ખાલી છે. ધોરાજીની સબ હોસ્પિટલમાં કોરોનાની સારામાં સારી સારવાર મળી રહે અને દવા-ઇંજેકશનના પુરતા જથ્થા સાથે નર્સીંગ સ્ટાફ- તબીબોની સેવા ઉપલબ્ધ થતાં લોકોને રાહત થઇ છે. સરકારી હોસ્પિટલમાં સારવારથી સ્વચ્છતા અને નાસ્તા-ભોજનની સુવિધાને પણ લોકોએ આવકારી છે. ધોરાજીના મેડીકલ અધિક્ષક ડો. જયેશ વસેટીયનએ જણાવ્યું હતું કે કલેક્ટર અને ડી.ડી.ઓના માર્ગદશન હેઠળ હોસ્પિટલમાં ઓકિસજનની પુરતી વ્યવસ્થા છે.લોકોએ ગભરાવાની જરૂર નથી.
ધોરાજીમાં કોરોનાના સંક્રમણથી લોકોને રક્ષણ આપવા રસીકરણની કામગીરી પણ ઝડપી કરવામાં આવી છે. ધોરાજી સબ હોસ્પિટલમાં ગ્રીન ઝોનમાં રસીકરણ સેન્ટર કાર્યરત છે. રસી લઇને પ્રતિભાવ આપતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ વેપારી વિનોદરાય અંટાળાએ જણાવ્યું હતું કે રસીથી કોઇ આડઅસર થતી નથી. તેમના પત્ની ભાનુબેને એ પણ રસી લઇ બહેનો સહિત સૌ કોઇએ રસી લેવા અનુરોધ કર્યો હતો. એડવોકેટ હરેશભાઇએ પણ કહ્યું કે મુખ્ય અગ્રણી બધાએ રસી લીધી છે. અને કોઇ નુકસાન નથી .કોરોના સામે પ્રતિકારશક્તિ વધે છે. અને આપણને કોરોનાની ગંભીર અસર સામે બચાવે છે. તેથી સૌ એ રસી લેવી જોઇએ.હોસ્પિટલના અધીક્ષકે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડીસ્ટન્સ રાખવા અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા જણાવ્યું છે.