ઉંચા તાપમાનમાં ખાસ તકેદારી રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની શહેરીજનોને અપીલ
ઉનાળાના આરંભે જ સુર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે ત્યારે હીટવેવમાં રેડ એલર્ટ દરમિયાન શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તાર, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તાર અને ગોંડલ રોડ ચોકડી આસપાસ તાપમાનનો પારો ૪૯ ડિગ્રી સેલ્શીયસ સુધી પહોંચી શકે છે. ઉંચા તાપમાનમાં શહેરીજનોને ખાસ તકેદારી રાખવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વૃક્ષોનું પ્રમાણ ઓછું અને પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાના કારણે જયારે હીટવેવની આગાહી આપવામાં આવી હોય ત્યારે કોઠારીયા, વાવડી અને ગોંડલ રોડ ચોકડી વિસ્તારમાં તાપમાનનો પારો ૪૯ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે ૪૧ થી ૪૩ તાપમાનમાં યેલો એલર્ટ, ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ઓરેન્જ એલર્ટ અને ૪૫ થી વધુ ડિગ્રી હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. ઉંચા તાપમાનમાં સનસ્ટ્રોકથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.