કોર્પોરેટરની હત્યાના આરોપીના પુત્રની ગેંગ પાસામાંથી છુટી મોડીરાતે દુકાનોમાં તોડફોડ કરી બઘડાટી બોલાવતા વેપારીઓમાં ફફડાટ
વેપારીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
કોઠારિયા પર અવાર નવાર આંતક મચાવી વેપારીઓને ત્રાસ દેતા ગઢવી શખ્સોએ પાસામાંથી છુટી ગતરાતે ફરી બગડાટી બોલાવી દુકાનમાં તોડફોડ કરી વેપારી પર ખૂની હુમલો કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. નામચીન શખ્સો અવાર નવાર વેપારીઓને હેરાન કરતા હોવાથી મોડીરાતે કોઠારિયા રોડ પરના વેપારીઓ પોલીસ કમિશનરના બંગલે રજૂઆત માટે દોડી જતા ભક્તિનગર પોલીસે લુખ્ખાઓ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. કોઠારીયા રોડ ઉપર મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠાં થયા બાદ સવારે ફરી પોલીસ કમિશનર કચેરીએ આવી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર અવાર નવાર મારામારી અને વેપારીઓના બાઇક સળગાવી દેવાના ગુનામાં સંડોવાયેલા ભૈયલુ ગઢવી, કાળુ ગઢવી, સુરજ ગઢવી સહિતના દસ થી પંદર જેટલા શખ્સો ગતરાતે દાનો નશો કરી ગતરાતે કોઠારિયા રોડ પર ધસી આવ્યા બાદ દુકાનો બંધ કરાવવા વેપારીઓને ગાળો દેવાનું શ કરી પી પટેલ સેલ્સના દુકાનદાર ભૂપતભાઇ ગોબરભાઇ વાગડીયા પર પાઇપથી હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી ભાગી જતા વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.
ખૂન, મારામારી અને બાઇક સળગાવવા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ભૈયલુ ગઢવી, સુરજ ગઢવી અને કાળુ ગઢવીની ભક્તિનગર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલ હવાલે કર્યા હતા. તાજેતરમાં જ પાસામાંથી છુટેલા ત્રણેય શખ્સોએ દારૂનો નશો કરી કોઠારિયા રોડ પરના વેપારીઓની દુકાનો બંધ કરાવવા ઘસી આવ્યા હતા.
બોલબાલા માર્ગ પર લાલ પાર્કમાં રહેતા ભૂપતભાઇ વાગડીયાએ પોતાની કોઠારિયા રોડ પરની પી પટેલ સેલ્સ નામની દુકાન બંધ ન કરતા ગઢવી શખ્સોએ માથામાં પાઇપ મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. દુકાનમાં તોડફોડ કરી ગઢવી શખ્સો ભાગી ગયા બાદ ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇ વાગડીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
હોસ્પિટલે એકઠાં થયેલા કોઠારિયા રોડ પરના વેપારીઓ મોડીરાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના બંગલે ગઢવી શખ્સોના ત્રાસ અંગે રજૂઆત માટે દોડી ગયા હતા. ભક્તિનગર પી. આઇ. વી. કે. ગઢવી, પી. એસ. આઇ. ડી. એન. વાંઝા, રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે ભૈયલુ ગઢવી, કાળુ ગઢવી, સુરજ ગઢવી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
૧૯૯૫માં કોઠારિયા રોડ પર ભાજપના કોર્પોરેટર હરી ધવાની હત્યાના ગુનામાં સંડોવાયેલા મોટીયો ઉર્ફે મહેશ ગઢવીનો પુત્ર હોવાનું અને તાજેતરમાં જ કોઠારિયા રોડ પર બાઇક સળગાવી દેવાના અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો જ્યારે કાળુ ગઢવી ૨૦૦૭માં કોઠારિયા ચોકડી પાસે એક હત્યાના ગુના સહિત મારામારીના અનેક ગુનામાં સંડોવાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કોઠારીયા રોડ ઉપર વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસના વિરોધમાં વેપાર ધંધા બંધ રાખી મોટી સંખ્યામાં એકઠાં થયા બાદ અવાર નવાર વેપારીઓને ધાક ધમકી અને પરેશાન કરતા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ ઘસી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું છે.