હારશે કોરોના, જીતશે રાજકોટ

કોરોનાના કપરા કાળમાં ‘ભાગવાની’ નહીં પણ ‘જાગવાની’ જરૂર

રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રાધા રમણ સ્વામી કોરોનાની વૈશ્વીક મહામારીના સમયમાં “ચેતતા નર સદા સુખી એ કહેવતને અનુરૂપ કોરોનાથી ડર રાખ્યા વિના માત્ર જરૂરી તકેદારી રાખવાનો પ્રેરક સંદેશ આપતા કહે છે કે, કોરોનાના આ કપરા સમયમાં આપણે ‘ભાગવાની’ નહી પરંતુ ‘જાગવાની’ જરૂર છે.

હું પણ કોરોના સંક્રમિત થયો હતો પરંતુ સારવાર બાદ હું પૂન: સ્વસ્થ થઈ ગયો છું તેમ જણાવતાં સ્વામીશ્રી કહે છે કે, કોરોનાના આ સમયમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં મારૂં શું થશે ? મારા પરિવારનું શું થશે ? હું કેમ બચીશ? હવે શું થશે? આ ડર ફેલાયેલો છે, તેને દરેક લોકોએ મનમાંથી દૂર કરીને થોડી સાવધાની રાખવી પડશે. કોરોનાથી માણસ જયારે ડરી જાય છે, ત્યારે કોરોના સામેનો જંગ તે હારી જતો હોય છે. આ સમય પણ જતો જ રહેવાનો છે. કોરોનાની રસી આવશે અને આ વાયરસ પણ જતો જ રહેશે.

કોરોનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થયા હોય, કે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેની તુરત જ સારવાર લઈએ. અને થોડો સમય હોમ ક્વોરન્ટાઈન થઈએ જેથી આપણે આ રોગથી ઝડપથી મૂક્ત થઈ શકીએ.

કોરોનાથી આજે જ્યારે લોકો ડરી રહયાં છે, તેવા સમયે માહિતી ખાતા દ્વારા “હારશે કોરોના, જીતશે રાજકોટની મુહિમ ચલાવીને લોકોના હ્રદયમાંથી ડર દૂર કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહયો છે, તે અભિનંદનને પાત્ર છે. ભગવાનને પ્રાર્થના કરૂં છુ કે, કોરોના નામનો આ વાયરસ વહેલી તકે દૂર થાય અને તેનું વેક્સીન ઝડપથી આવે. પણ ત્યાં સુધી આપણે બધા સાવધાન રહીએ, સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ અને કોરોનાના ભયથી મૂક્ત બની પ્રફૂલ્લીત જીવન જીવીએ તેવી આશા સાથે… “હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.