કચ્છની ભાતીગળ ભવ્યતાનું વર્ણન તેમજ આ સ્થળ પર પ્રવાસ કરી ગયેલા ચીની મુસાફર હ્યું-એન-ત્સંગ ઇસુના સાતમાં સૌકામાં કર્યું છે ,
આ પૌરાણિક ધામ કોટેશ્વર કચ્છના બંદરોના ઇતિહાસમાં સૌથી જૂનામાં જુનું બંદર હતું , પૌરાણિક ધામ આ કોટેશ્વરની કથા એવી છે કે એક વખત લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે એ સમયે એ કૈલાસપતિ ભોળાનાથે રાવણને વરદાન માંગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદા શિવ હું આપની સદા ભક્તિ કરતો રહુ,
ભગવાન શિવે પ્રસન્ન થઇ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું શિવલિંગ રાવણને આપ્યુ અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આં શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ કોટી થઇ જશે, અને રાવણ આં શિવલિંગ લઇ આકાશમાર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આં શિવલિંગ પડાવી લઇ , એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું અને આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડ વાળા ખાડામાં પડ્યા સાથે એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે એ સમયે રાવણ પોતાને મળેલ અમોલ શિવલિંગ લઇ આકાશમાર્ગેથી પસાર થઇ રહ્યા હતા. દશાનંદ રાવણે આ દ્રશ્ય નિહાળ્યું હતું માટે તપસ્વીએ રાવણની મદદ માંગી હતી , એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું અને એક હાથમાં ભગવાન શિવે આપેલું શિવલિંગ પકડ્યું તેમજ બીજા હાથે કીચડમાં ડૂબેલી ગૌ માતાને બચાવવા સઘળા પ્રયત્નો સફળ થયા હતા પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલીંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું અને ભગવાન શંકરે કહેલી વાત યાદ આવી, પરંતુ આ સમયે તેના હાથમાંથી તે સમય પસાર થઇ ચુક્યો હતો, પણ આ સમયે રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને આં શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું.
આ કોટેશ્વર મહાદેવની આસપાસ અનેક જર્જરિત મંદિરો, અનેક કુંડો તેમજ અનેક પૌરાણિક ગુફાઓમાં “ ખાપરા- કોડિયાની ગુફાઓ – લક્ષ્મણ ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ” ખુબ જ જોવા લાયક છે કે જેની સાથે અનેક ઇતિહાસો સંકળાયેલ છે તેમજ આં સ્થળ પર અનેક શુરવીર તેમજ મહાપ્રતાપી રાજાઓએ તથા મહાનુભાવોએ આ જગ્યાએ સારા કાર્યો કર્યા છે અને આ જગ્યાને ખુબ પ્રચલિત કરી છે અને આજે આ જગ્યાએ વિશ્વમાં પોતાની એક અનેરી ઓળખ બનાવી છે.
આ કોટેશ્વર મહાદેવના મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થઇ પોતાના પરિવારજનો સાથે આવે છે અને દિવસોના દિવસો વિતાવે છે , અહીનું વાતાવરણ એકદમ શાંત તેમજ રમણીય છે સાથોસાથ દરિયાદેવની મોજ પણ માણે છે અને આનંદમય રીતે સમય પસાર કરે છે , પરિવારજનો સાથે અહી રહેવા માટે કોટેશ્વરથી ૨ કી.મી ના અંતરે અનેક ધર્મશાળાઓ આવેલી છે કે જેમાં અનેક સુવિધાઓ છે, અને અહી પહોચવા માટે કચ્છના નારાયણ સરોવરથી દુર ૪ કી.મી. ના અંતરે આં કોટેશ્વર સ્થળ આવેલ છે .
સંકલન:રાજેશ એસ. ત્રિવેદી