વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં પતિ-પત્ની વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીમાં પત્નીના લાકડી વડે હાથ-પગ ભાંગી નાખી ગળેટૂંપો આપી મોત નિપજાવનાર આરોપી પતિને મોરબી સેસન્સ કોર્ટે આજીવન કારાવાસ અને 10 હજારના દંડની સજા ફરમાવતો આદેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર હત્યા કેસની પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2018માં વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા ભીખાભાઇ બચુભાઈ લઢેર નામના શખ્સે તેમની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉવ.50 સાથે સામાન્ય બોલાચાલી બાદ જાનુબેનને લાકડી વડે બેફામ માર મારી હાથ અને પગ ભાંગી નાખી ત્યારબાદ જાનુબેનનું ગળુ દાબી હત્યા કરી નાખી હતી જે કેસમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ મોરબીના પ્રિન્સિપાલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 25 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ તેમજ સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરને હત્યાના ગુનામાં તક્સીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા તથા રૂ.10 હજારના દંડની સજા ફરમાવતો આદેશ જારી કર્યો હતો.