પત્નીના આપઘાતની તપાસ અર્થે પોલીસે બોલાવતા પૈસા માગ્યા અને ત્રાસ દીધાના આક્ષેપ
કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામે રહેતા યુવાને ગઇ કાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવાને પોલીસના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક મહિના પહેલા પત્નીએ કરેલા આપઘાત મામલે યુવાનને વારેવારે નિવેદન માટે બોલાવી અને પૈસાની માંગણી કરી હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સતાપર ગામે રહેતા અને હિંસા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ અરજણભાઇ સોહેલિયા (ઉ.વ.૩૬) ગઈકાલે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ રમેશભાઈએ દમ તોડી દીધો હતો.
આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં મૃતકના પરિવારજનોએ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રમેશભાઈની પત્ની રતનબેને એક મહિના દસ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે મામલે પતિ રમેશભાઈ સામે કાર્યવાહી કરી સજા કરાવશે અને સમાધાન કરવું હોય તો પૈસા દેવા પડશે તેવી કોટડા સાંગાણી તાલુકાના કોન્સ્ટેબલ અશોક ડાંગરે ધમકી આપતા રમેશભાઈએ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ કર્યા છે. જેના પગલે મૃતકના પરિવારજનો સાથે સમાજના આગેવાનો દ્વારા પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. જ્યાં સુધી પોલીસ સામે કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે.
તો બીજી તરફ પોલીસ દ્વારા જણાવ્યા મુજબ મૃતક રમેશભાઈની પત્ની રતનબને એક મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં રમેશભાઈને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોય જેથી રતનબેને આપઘાત કરી લીધો હતો. મૃતક રમેશભાઈ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો. રતનબેનના આપઘાત સમયે માવતર પક્ષનાઓએ રમેશભાઈ સામે આક્ષેપ કર્યા હતા જે મામલે નિવેદન લેવા માટે બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે.