હાથ ઉછીના આપેલા પૈસા મામલે નિંદ્રાધીન જમાઈ પર સસરા સહિત ચાર શખ્સો તૂટી પડ્યા
કોટડા સાંગાણીના મોટા માંડવા ગામે નિંદ્રાધીન જમાઈ અને તેના ભાઈ પર સસરા સહિતના ચાર શખ્સોએ ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જમાઈએ સસરાને આપેલા રૂ.2000ની ઉઘરાણી કર્યાનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામે રહેતા હરેશભાઈ માધાભાઈ વાઘેલા (ઉ.વ.25) અને તેનો ભાઈ ધનજી માધાભાઈ વાઘેલા (ઉ.વ.30) રાત્રિના નવેક વાગ્યાના અરસામાં સુતા હતા. ત્યારે ધનજી વાઘેલાના સસરા હસુ સોલંકી તેના સાળા પંકજ હસુ, ભાવેશ હસુ અને સહિતના શખ્સોએ ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસ પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા ધનજી વાઘેલાએ તેના સસરા હસુ સોલંકીને રૂ.2000 હાથ ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કર્યાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપને પગલે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.