તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ: અત્યાર સુધીમાં જિલ્લાના 1.91 લાખ લોકોએ રસીકરણ કરાવ્યું
જૂનાગઢ સહિત જિલ્લામાં કાળમુખા કોરોના એ હવે ખતરનાક રૂપ ધારણ કરતાં જૂનાગઢ શહેરના 38 લોકો સહિત જિલ્લાના 77 લોકોને પોઝિટિવ બનાવી કહેર મચાવવાનું જારી રાખ્યું છે, બુધવારે 43 લોકો પોઝિટિવ જાહેર થયા હતા ત્યારે ગઇકાલે તેમાં એકદમ ઉછાળો આવ્યો છે અને ડબલની આસપાસ કેસ વધી જતા સમગ્ર સોરઠ પંથકમાં કોરોનાનો ભયનો માહોલ છવાઇ ગયો છે, તો જિલ્લા તંત્રમાં ચિંતા વ્યાપી જવા પામી છે, અને કોરોનાને વધતો રોકવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે.
જૂનાગઢમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ જૂનાગઢ શહેરના 38, જૂનાગઢ તાલુકાના 5, કેશોદ તાલુકાના 8, માળિયા તાલુકાના 5, માણાવદર તાલુકાનાં 6, મેંદરડા તાલુકાનાં 3, માંગરોળ તાલુકાના 4, વંથલી તાલુકાના 2 અને વિસાવદર તાલુકાના 4 મળી કુલ 77 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 15 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ગઇકાલના સરકારી આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ 65 ઘરને ક્ધટેનમેન્ટ જાહેર કરાયા છે અને આ ક્ધટેનમેન્ટ એરિયાના 478 લોકોને ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથોસાથ કોરીનાને ફેલાતો રોકવા ગઇકાલે જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં 7128 લોકોને કોરોનાના વેકશિન અપાતા અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 1.91 લાખ લોકોએ કોરોના વેકશિન લઈ લીધી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.