ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સાંજે યોજાશે ગ્રુપ ઓફ મીનીસ્ટરની બેઠક
કોરોના કટોકટીના પગલે રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફયુ અને પ્રતિબંધાત્મક આદેશો, એસટી બસમાં 50 ટકાની ક્ષમતાનો અમલ અને સ્વાસ્થ્ય સેવા, શાકભાજી, આવશ્યક સેવા ચાલુ રાખી તમામ ધંધા રોજગારો બંધ રાખવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે ધારાસભ્યોને પોતાના મત વિસ્તારની હોસ્પિટલોને સાધન સહાય માટેની ગ્રાન્ટમાં 25 લાખ રૂપિયા વાપરવાની છુટ આપતો નિર્ણય કર્યો છે.
કોરોના કટોકટીમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં હોસ્પિટલોને ખુટતી સાધન સુવિધાઓ આપીને મદદરૂપ થઈ શકે તે માટે રાજ્ય સરકારે ધારાસભ્યોને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોરોના કટોકટી દરમિયાન પોતાના મત વિસ્તારની સરકારી હોસ્પિટલોમાં સાધન સુવિધા, મેડિકલ ઉપકરણો વસાવવા માટે ગ્રાન્ટની મદદ કરવા છુટ આપી છે. જો કે ધારાસભ્યોને 25 લાખની ગ્રાન્ટમાંથી હોસ્પિટલોને મેડિકલના સાધનો વસાવવા માટે આ નાણાનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ આ ગ્રાન્ટમાંથી દવા ખરીદી નહીં શકાય.
દરમિયાન રાષ્ટ્રીય સ્તરે કોરોનાની પરિસ્થિતિના અવલોકન અને આવશ્યક પગલા માટે આજે ગૃહમંત્રી અમીત શાહની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મીનીસ્ટરની તાકીદની બેઠક મળશે જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતના સરકારના વરિષ્ઠ મંત્રીઓ હાજરી આપશે. ગુજરાત સરકારે સંક્રમણનો દર કાબુમાં લેવા માટે નાઈટ કરફયુનો દાયરો 20 માંથી 29 શહેરો સુધી લંબાવી દીધો છે અને અસંત: લોકડાઉનની પરિસ્થિતિમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપીની તૈનાતી અને પોલીસના બંદોબસ્ત સાથે જાહેરનામાની અમલવારી માટે કડક આદેશો આપી દીધા છે.
આજથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશનના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા રેકર્ડબ્રેક કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3,60,900 કેસનો વિક્રમસર્જક આંકડો ચિંતાજનક બન્યો છે.