સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ૬ કોરોનાગ્રસ્ત કેસ : ૧ નું મોત
સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈ કાલે રાજકોટમાં કાલાવડ રોડ પર અમદાવાદથી આવેલી યુવતીને કોરોના હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અન્ય બે જિલ્લા પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે જૂનાગઢના પીજીવીસીએલના કર્મચારીનું રાજકોટ સારવારમાં મોત નિપજ્યું છે.ઘંટેશ્વર એસઆરપી ગ્રૂપ ૧૩ના જવાન અમદાવાદ ફરજમાં કોરોનાની ઝપટે આવી ગયાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં બહારગામથી આવતા લોકોની સંખ્યા સાથે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે જસદણના વિરનગરમાં ૪૫ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે અમદાવાદથી કાલાવડ રોડ પર કેવલમ સોસાયટીમાં આવેલી ઈશાની વસંતભાઈ રામાનુજ નામની યુવતીને ક્વોરેઇન્ટઇન કરી તેના સેમ્પલ નો રિપોર્ટ કરાવતા રાજકોટ શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોરોનાના ૮૪ કોરોના પોઝિટિવ અને ગ્રામ્યમાં ૩૩ પોઝિટીવ કેસ મળી કુલ ૧૧૭ આકડો પહોંચ્યો છે.
રાજકોટ ઘંટેશ્વર પાસે એસઆરપી કેમ્પમાં રહેતા અને કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા અજયસિંહ જાડેજા નામના એસઆરપી જવાન અમદાવાદ ફરજ બજાવવા ગયા હતા. જ્યાં તેમને કોરોનાનો ચેપ લાગતા તેમને આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે ગઈ કાલે વધુ બે પોઝિટિવ દર્દીઓ પંજેતન શેરીમાં ગોસિયા મસ્જિદ પાસે રહેતા રેશ્માબેન ઠેબા નામના ૩૩ વર્ષના મહિલા અને એ જ વિસ્તારના મહમદ હનીફભાઈ ઠેબા નામના ૪૦ વર્ષના પુરુષે પણ કોરોનાને મ્હાત આપતા તેઓને આઇશોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી છે. ઉપરાંત રાજકોટમાં ૩૭૦ જેટલા લોકોને અન્ડર ઓબ્સેર્વેશન ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે.જેમાં સમરસ હોસ્ટેલમાં ૧૨૨, ત્રિમંદિરમાં ૨૨ અને પ્રાઈવેટ હોટલમાં ૪૯ લોકોને રાખવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસ પહેલા ઝાંઝરડા રોડ પર હનુમંત એપાર્ટમેન્ટમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા રશ્મિબેન રાવલ નામના ૫૪ વર્ષના પ્રૌઢને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈ કાલે બપોરે તેમનું ચાલુ સારવારમાં મોત નિપજતા જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ મોત નોંધાયું છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી ૨૯ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોનાગ્રસ્ત કેસની સંખ્યા ૩૯ થઈ છે. જ્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના સારવાર લઇ રહેલા મૂળી તાલુકાના વિમાલભાઈ ભટ્ટ અને ટીડાણા ગામના રાજસિંહ અને લખતર તાલુકાના ઇંગલોરી ગામના વતની નાગરખાંન મલિક સહિત ત્રણેય કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી જિંદગીની જંગ જીતી છે.
પોરબંદરમાં પણ ગઈ કાલે કોરોના સંક્રમણના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં થોડા દિવસોના આરામ બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું હતું. વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ થઈ છે.મોરબીમાં પણ આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓ સહિત કુલ ૫૮ સેમ્પલ કોરોના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલ નેગેટિવ આવ્યાનું જાણવા મળ્યું હતું.