અમિત પટેલ બાદ હવે કોંગ્રેસના વધુ ધારાસભ્યએ પંજાનો સાથ છોડવાનું મન બનાવી લીધું છે. વિજાપુર બેઠકના કોંગી ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાએ આજે રાજીનામું ધરી દીધું છે. આગામી દિવસોમાં કેસરિયો ખેસ ધારણ કરી લ્યે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામું આપે તેવા એંધાણ વર્તય રહ્યા છે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ રાજીનામું ધરી દીધું
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. 2017 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ 77 બેઠકોજીત્યું હતુ અને સતાથી માત્ર 15 બેઠકો દૂર રહ્યું હતુ. 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 60 બેઠકોની ભારે ખમ નુકશાની થવા પામી હતી અને માત્ર 17 બેઠકો પર સમેટાય ગઈ હતી. પોતાના 17 ધારાસભ્યોને પણ કોંગ્રેસ સાચવી શકતી નથી. અગાઉ અમિત પટેલે પંજાનો સાથ છોડી દીધો છે. અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ આગામી દિવસોમાં કેસરીયો ખેસ ધારણ કરી લેશે. લોકસભા ચૂંટણી પૂર્વ કોંગ્રેસમાં વધુ ભંગાણ પડયુંં છે.
આજે સવારે વિજાપુરના કોંગી ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર આપ્યો હતો.
કોંગ્રેસના કદાવર નેતા વીજાપુરનાં ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
અયોધ્યામાં રામ મંદિરના પૂન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી ન આપવાના હાઈકમાન્ડના નિર્ણયથી ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને ધારાસભ્યો ભારોભાર નારાજ છે. ડો.સી.જે. ચાવડા રામમંદિરના મુદે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. ભાજપ પાસે 156 બેઠકોની તોતીંગ બહુમતી છે. આવામાં તેઓને કોંગ્રેસ આપ કે અપક્ષના ધારાસભ્યોની કોઈજ આવશ્યકતા નથી પરંતુ વિપક્ષને લોકસભાની આગામી ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે કાર્યકરો અને નેતાપણ ન મળે તેવો વ્યુહ ભાજપે અપનાવ્યો છે. જેના કારણે તેઓ વિપક્ષમાં ભૂકંપ સર્જી રહ્યો છે.