સીબીઆઈના વડા રાવની પત્નિની કહેવાતી ભાગીદારીવાળી એન્જેલા મર્કન્ટાઈલ કંપનીમાં નાણાંકીય અનિયમિતતાના મદે તપાસ હાથ ધરી સીબીઆઈનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો
કોલકતા પોલીસ કમિશ્નર અને સીબીઆઈ વચ્ચે છેલ્લા થોડા સમયથી ખેંચતાણી ચાલી રહી છે.પોલીસ કમિશ્નર રાજીવકુમાર આજે શિલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થનારા છે. ત્યારે કોલકતા પોલીસે સીબીઆઈ પર દબાણ લાવવા માટે સીબીઆઈના વચગાળાના વડા એમ. નાગેશ્ર્વર રાવના પરિવાર સાથે સંકળાયેલી ફાયનાન્સીયલ કંપની એન્જેલા મર્કન્ટાઈલ પ્રાયવેટ લીમીટેડની કચેરીમાં જઈને તપાસ હાથ ધરી હતી. કોલકતા પોલીસની આ તપાસથી સીબીઆઈ અને કોલકતા પોલીસ વચ્ચે ચાલતો ગજગ્રાહ વધવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
ગત રવિવારે સીબીઆઈની કેન્દ્રીય ટીમે કોલકતાના પોલીસ કમિશ્નર રાજીવકુમારના બ્યુડોન સ્ટ્રીટમાં આવેલા નિવાસ સ્થાન પર જઈને ‘ખાસ ઓપરેશન’ અંતર્ગત તપાસ હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સીબીઆઈ અને કોલકતા પોલીસ વચ્ચે વિવાદનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ તપાસ મોદી સરકારના ઈશારે થઈ રહ્યાનો આક્ષેપ કરીને ધરણા પર બેસી ગયા હતા જેથી, સીબીઆઈ અને રાજય સરકાર સામસામે આવી ગયા હતા. જે બાદ, આ મુદે સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી કરતા સુપ્રીમે સીબીઆઈને રાજીવકુમારને પૂછપરછ કરવાની છૂટ આપી હતી પરંતુ તેમની ધરપકડ કરવા પર પ્રતિબંધ મૂકયો હતો.
ગઈકાલે કોલકતા પોલીસની બે ટીમોએ એન્જેલા મર્કન્ટાઈલ કંપનીનો ડેલ હાઉસી કલાઈવ અને સોલ્ટ લેક બિલ્ડીંગની ઓફીસો પર જઈને તપાસ હાથ ધરી હતી. જો કે કોલકતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે કોઈ પણ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, સેંકડો સાક્ષીઓએ આ બંને બિલ્ડીંગોની બાર મોટી સંખ્યામાં પોલીસ વાહનો પાર્ક થયેલા જોવા મળ્યાની માહિતી આપી હતી. કંપનીના રજીસ્ટ્રાર કચેરીનાં રેકોર્ડ મુજબ કલાઈવ રોમાં આવેલી કંપની એન્જેલ મર્કન્ટાઈલ્સની રજીસ્ટર્ડ ઓફીસ છે. તપાસકર્તા અધિકારી અને કર્મચારીઓની ૧૨ સભ્યોની ટીમે બપોરે બે વાગ્યે આ ઓફીસ પર પોચી ગઈ હતી. આ ટીમોએ મોડી સાંજ સુધી તપાસ ચાલુ રાખી હતી.
સાદા કપડામાં કોલકતા પોલીસના છ સભ્યોની ટીમે સોલ્ટ લેક સરનામા પર પહોચી ગઈ હતી આ સરનામા પર ઓકટોબર ૨૦૧૮ સુધી આ કંપનીની ઓફીસ ચાલતી હતી. આ ટીમે ઓફીસની સંભાળ રાખનારા વ્યંકિતને લાલ બજાર પોલીસ તરીકે ઓળખ આપીને ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા ફલેટમાં ગયા હતા આ ટીમે સાડા ચાર કલાક સુધી તપાસ કરીને લેપટોપ, ફાઈલો અને દસ્તાવેજોની ભરેલી બેગ સાથે લઈગયા હતા પોલીસની ટીમ આ સ્થાનેથી પૂછપરછ માટે એક વ્યકિતને પણ સાથે લઈ ગઈ હતી. આ બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળે રહેણાંક ફલેટ આવેલા છે જયારે ગ્રાઉન્ડ ફલોરનાં ફલેટમાં એન્જેલા કંપનીની ઓફીસ હતી આ તપાસ અંગે પણ પોલીસની ટીમે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ ચીફ નાગેશ્ર્વર રાવે ગત વર્ષે તેમની પત્નિના આ કંપની સાથે કો, પણ પ્રકારનાં સંબંધો હોવાનો ઈન્કાર કરીને તમામ આરોપોને નકકારી કાઢતુ વિગતવાર નિવેદન કર્યું હતુ સીબીઆઈએ ગઈકાલે આ નિવેદનને ફરીથી જાહેર કર્યું હતુ. જેમાં જણાવાયું છે કે રાવની પત્નીએ આ કંપની પાસેથી લોન લઈને આંધ પ્રદેશમાં કેટલીક મિલ્કતો ખરીદી હતી. જે બાદ તેમણે આ લોન તેમની વારસાઈ મિલ્કતને વેંચીને કંપનીને ચૂકવી આપી હતી. ઉપરાંત, તેમાંથી વધેલી રકમને આ કંપની એન્જેલાક મર્કન્ટાઈલમાં રોકાણ પણ કરી હતી.
આ કંપની સામે નાણાંકીય અનિયમિતતાની ફરિયાદ ચાર માસ પહેલા કોલકતાની બોધ બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને આ તપાસ હાથ ધરવામાં આવ્યાનું વરિષ્ટ અધિકારીઓએ જણાવ્યું હતુ.