રોમાંચક બનેલા મેચમાં હૈદરાબાદનો કલકત્તા સામે પાંચ રને પરાજય
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી ન હતી. 16 રનના સ્કોરે ટીમે બે વિકેટ ગુમાવી હતી જ્યારે 35 રનના સ્કોર સુધીમાં તો ટીમના ટોચના ત્રણ બેટર્સ પેવેલિયન ભેગા થયા હતા. ઓપનર જેસન રોયે 20 રન નોંધાવ્યા હતા. જ્યારે ગુરબાઝ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે વેંકટેશ ઐય્યર સાત રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ બાદમાં કેપ્ટન નિતિશ રાણા અને રિંકુ સિંહે બાજી સંભાળી હતી અને મક્કમતાથી બેટિંગ કરી હતી.
રાણા અને રિંકુ સિંહની ઈનિંગ્સની મદદથી જ કોલકાતાનો સ્કોર પડકારજનક બન્યો હતો. રાણાએ 42 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે રિંકુ સિંહે 46 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત આન્દ્રે રસેલે 24 રનનું યોગદાન આપ્યું હતું. અનુકુલ રોય 13 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હૈદરાબાદ માટે માર્કો જેનસેન અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર, કાર્તિક ત્યાગી, એઈડન માર્કરામ અને માર્કન્ડેએ એક-એક વિકેટ ખેરવી હતી.
172 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની બેટિંગ પણ શરૂઆતમાં નિરાશાજનક રહી હતી. જોકે, કેપ્ટન એઈડન માર્કરામ અને હેનરિક ક્લાસેનની લાજવાબ બેટિંગની મદદથી ટીમ વિજયની નજીક પહોંચી હતી. જોકે, બાદમાં કોલકાતાએ કમબેક કરતા હૈદરાબાદને મેચ જીતવા દીધી ન હતી.. ઓપનર અભિષેક શર્મા નવ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠીએ 20 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે હેરી બ્રુક ચાર બોલ રમ્યો હતો પરંતુ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો હતો.
જોકે, માર્કરામ અને ક્લાસેને લાજવાબ બેટિંગ કરી હતી. માર્કરામ ધીરજપૂર્વક બેટિંગ કરીને ટીમને વિજયની નજીક લઈ ગયો હતો. પરંતુ ટીમને જીતાડી શક્યો ન હતો. તેણે ધીરાજતા પૂર્વક 41 રન નોંધાવ્યા હતા. જ્યારે ક્લાસેને આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 20 બોલમાં 36 રન ફટકાર્યા હતા જેમાં એક ચોગ્ગો અને ત્રણ સિક્સર સામેલ હતી. અબ્દુલ સમદે 21 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદને છ બોલમાં નવ રનની જરૂર હતી. પરંતુ વરૂણ ચક્રવર્તીએ હૈદરાબાદને વિજયથી વંચિત રાખ્યું હતું. હૈદરાબાદને હરાવી કલકત્તાએ પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. કલકત્તાને હવે ચાર મેચ રમવાના બાકી છે અને અત્યારે તેને આઠ પોઇન્ટ મળેલા છે જો આ ચાર મેચ કલકત્તા જીતે તો તેને ૧૬ પોઇન્ટ થશે જેથી તે પ્લે ઓફમાં પહોંચી પણ શકે છે.