વિછીંયા અને જસદણ બન્ને તાલુકાના ૧૦૦ ગામોના ખેડુતો ઉમટી પડશે

આવતીકાલે વિંછીયા ખાતે કોળી સમાજનું વિશાળ સંમેલનમળી રહ્યું છે. જેમાં રાજયભરની નજર જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા પર ટકેલી છે કોંગ્રેસમાં સતત અન્યાય થતો હોવાની લાગણી અનુભવી રહ્યા કુંવરજીભાઇ નવા જુનીના મૂડમાં છે.

જસદણ અને વિંછીયા આ બંને તાલુકાના કોળી સમાજનું સામાજીક સમરસતા સંમેલન આવતીકાલે રવિવારે બપોરે ત્રણ કલાકે વિંછીયા માર્કેટ યાર્ડમાં યોજાશે આ અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સંમેલનમાં કોળી સમાજના હજારોની સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહેવાના હોય ત્યારે આયોજકોના વડપણ હેઠળ બહોળી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમો ખડેપગે તૈયાર કરવામાં આવી છે. સમાજના સભ્યોને કોઇ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે પાણીથી લઇ આરોગ્ય સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જનમેદનીને ઘ્યાને રાખી તંત્રએ પણ સજાગતા દાખવી છે. આ સંમેલનના મુખ્ય બે આયોજક અને સમાજના આગેવાનો જેસાભાઇ સોલંકી અને પોપટભાઇ રાજપરાએ સંમેલન અંગે પત્રકારોને જણાવ્યું કે આ સંમેલન લાંબા સમય પછી યોજાય રહ્યું છે. અને જેમાં જસદણ અને વિંછીયા તાલુકાના ગામે ગામથી સ્વયંભુ સમાજના લોકો આવશે.

સંમેલનનો મુખ્ય હેતુએ છે કે સમાજમાં કન્યા કેળવણીનો હજુ વધુ વ્યાપ થાય અંધશ્રઘ્ધાઓ દુર કરવી. સમાજના તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન કરવું જસદણમાં વિઘાર્થી ભવનનું કામ ઘણાં સમયથી અટકયું છે તે પુર્ણ કરવું આવી અનેક બાબતો છે જેમાં ફકત ચર્ચા નહી પણ નકકર કાર્ય થશે બંને આગેવાનોએ વિશેષમાં જણાવ્યું કે ગામડાઓમાં રાજકારણ અને ચુંટણીને લઇને અનેક પરિવારોમાં મનદુ:ખને કારણે વારંવાર ફસાદ અને કજીયાઓથી સમાજની અઘોગતિ થતી હોય તેથી દરેક પરિવારો અને રાજકીય આગેવાનો વચ્ચે વાંધા વચકા ગેરસમજો ફેલાયેલી છે .

તે સમાજને વચ્ચે રાખી આવી બાબતો ભુલી જવા અને સંપીને રહેવાની સુચના ઉ૫રાંત વિનંતી પણ કરીશું જેથી રાજય દેશની પ્રગતિમાં વધારો થઇ શકે અને કાયદા કાનુનને પણ સહયોગ આપવાનું પવિત્ર કાર્ય થઇ શકે ! પોપટભાઇ રાજપરા અને જેસાભાઇ સોલંકીએ વિશેષમાં ઉમેર્યુ હતું કે આ સંમેલન સમાજનું છે. જેમાં સમાજના દરેક પક્ષો સાથે સંકળાયેલ રાજકારણીઓ પણ આવશે. તેમની વચ્ચે જે મતભેદો છે તે દુર કરીશું આ સંમેલન ફકત ને ફકત સમાજ સંપથી રહે અને તેમની પ્રગતિ માટે યોજવામાં આવ્યું છે. રાજકારણએ દરેક વ્યકિતની અંગત બાબત છે કોને કયાં રહેવું શું કરવું અમારે તો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું છે ત્યારે સમાજના હિત માટે જ લોકો ગામે ગામથી સ્વયંભુ જ સંમેલનમાં જોડાશે એમ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.