- વરઘોડાની મોકાણે તંત્રને મૂંઝવ્યું
- આઠ પોલીસમેન ઘવાયા, બેને જીવલેણ ઇજા : જવાબી કાર્યવાહીમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
- વિંછીયા પોલીસે 82 તોફાનીઓ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી બે મુખ્ય કાવતરાખોર સહિત 58ની ધરપકડ કરી
વરઘોડાએ વધુ એક વિવાદ સર્જયો છે. એકતરફ આરોપીઓનો વરઘોડો કાઢવો કે નહિ તે મુદ્દો અદાલત સુધી પહોંચો ગયો છે જયારે બીજી બાજુ અમરેલી લેટરપેડ કાંડમાં પોલીસે પાટીદાર યુવતીનું સરઘસ કાઢતા ભારે ઉહાપો મચી જવા પામ્યો હતો. હજુ અમરેલીનો વિવાદ શમ્યો નથી ત્યાં વરઘોડાએ વધુ એક વિવાદ સર્જી દીધો છે. વિંછીયા પોલીસની હદમાં ગત સપ્તાહે ઘનશ્યામ રાજપરાની હત્યા નીપજાવી દેવામાં આવી હતી જે મામલે પોલીસે આઠ હત્યારા પૈકી છની ધરપકડ કરી લીધી હતી. જે બાદ કોળી સમાજના લોકોએ આરોપીઓનું આખા શહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પરંતુ પોલીસે તમામ આરોપીઓનું સરઘસ નહિ નીકળે પણ જરૂરિયાત મુજબના હત્યારાઓનું રી-ક્ધસ્ટ્રક્શન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેનાથી કોળી સમાજનું ટોળું વિફર્યું હતું અને વિંછીયા પોલીસ મથકને બાનમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં એક મહિલા પોલીસકર્મી સહીત આઠ પોલીસકર્મીઓ ઘવાયા હતા. ટોળાંને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. બાદમાં પોલીસે કુલ 82 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી મુખ્ય બે સૂત્રધાર સહીત 58ની ધરપકડ કરી લીધી છે.
મામલામાં જસદણ પોલીસના પીઆઈ ટી બી જાની ફરિયાદી બન્યા છે તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ શીવાભાઈ રાજપરાની હત્યાનો બનાવ બન્યો હતો. જે મામલામાં છ હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે બેની ધરપકડ બાકી હતી. દરમિયાન કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા (રહે.વિછીયા)એ પીએસઆઈ આઈ એમ સરવૈયાને ફોન કરી આરોપીઓને વિંછીયા ટાઉનની તમામ મુખ્ય બજારોમાં સરઘસ કાઢવામાં આવે એવી મારી અને અમારા સમાજની માંગણી છે અને જો માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો અમે મામલતદાર કચેરી ખાતે અનશન ઉપર બેસવાના છીએ. જે બાદ પોલીસે મુકેશભાઈ રાજપરાને સમજાવાની ખુબ કોશિશ કરી હતી પણ તેઓ સમજ્યા ન હતા. જેથી પીએસઆઈ સરવૈયાએ એવુ પૂછ્યું હતું કે, તમે ક્યાં છો? તો મુકેશ રાજપરાએ ફોન કાપી નાખેલો હતો. બાદમ્સ પોલીસની ટીમ મામલતદાર કચેરી ખાતે ગઈ હતી જ્યાં કોઈ મળી નહિ આવતા ઘટનાસ્થળે જતાં મુકેશ રાજપરા તથા નવનીતભાઇ સોલંકી સહિત આશરે પાંચસો જેટલા માણસો હાજર હતા. જ્યાં ટોળાંને રૂબરૂ સમજાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી. મુકેશ રાજપરાએ કહ્યું હતું કે, જો સરઘસ નહિ કાઢો તો અમે આરોપીઓને પોલીસ સ્ટેશનની અંદર ઘુસી માર મારીશું અને ત્યારબાદ મુકેશ સહિતનાએ વોટ્સઅપ મારફત કોળી સમાજના આગેવાનોને મેસેજ કરી વધુ લોકોને ભેગા કરવા લાગેલ હતા.
અનિચ્છનીય બનાવ અટકાવવા પોલીસે મુકેશભાઇ રાજપરાફક્ષયબ નવનીતભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી ત્યારે આ બંને શખ્સોએ જોર જોરથી રાડો પાડી તમે પોલીસ સ્ટેશન જઈને આરોપીને મારો તેવો ઉશ્કેરાટ ફેલાવ્યો હતો. બાદમાં આશરે બપોરના અઢી વાગ્યે આશરે 3000 જેટલા માણસોનુ ટોળુ પોલીસ સ્ટેશન સામે રોડ ઉપર આવી ગયું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધેલો હતો. દરમિયાન જસદણ, આટકોટ, ભાડલા, એલ.સી.બી. સ્ટાફ અને એસ.ઓ.જી. સ્ટાફ તેમજ તથા વિભાગીય પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પથ્થરમારા દરમિયાન જસદણ પોલીસના પીઆઈ ટી બી જાની, એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઈ એચ સી ગોહિલ, પીએસઆઈ સરવૈયાને ઇજા થઇ હતી. ઉપરાંત અન્ય ચાર કર્મીઓને પણ ઇજા થઇ હતી. ટોળાંએ કરેલા પથ્થરમારાથી વિંછીયા પોલીસ સ્ટેશનની સરકારી બોલેરોને નુકસાન થયું હતું.
હિંસક બનેલ ટોળાંને કાબુમાં લેવા પોલીસે પ્રથમ હળવો લાઠી ચાર્જ અને ત્યારબાદ 10 જેટલાં ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટીયર ગેસના સેલ છોડાતા ટોળું વિખાઈ ગયું હતું અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 58 તોફાનીઓને અટકાયતમાં લઇ લીધા હતા.
એલસીબી પીઆઈ ઓડેદરા, પીએસઆઈ ગોહિલ, જસદણ પીઆઈ જાની સહિત આઠ ઘવાયા
પથ્થરમારાની ઘટનામાં એલસીબી પીઆઈ વી વી ઓડેદરાને જમણા પગમાં, જસદણ પીઆઈ ટી બી જાનીને બંને હાથ તેમજ પીઠમાં, વિંછીયા પોલીસના પીએસઆઈ સરવૈયાને ડાબા પગના પંજામાં, એલસીબી પીએસઆઈ એચ.સી.ગોહિલને છાતી ઉપર તથા ડાબા પગના નળા ઉપર ઇજા થયેલ હતી. ઉપરાંત હેડ કોન્સટેબલ પ્રકાશભાઈ વિરાભાઈ (વિંછીયા પોલિસ)ને માથામાં અને હાથની આંગળીમાં, મહિલા કોન્સટેબલ સવિતાબેન સુરાભાઈ (ભાડલા પોલીસ) પથ્થર વાગવાથી ડાબી આંખની નીચે ગંભીર ઇજા થયેલ હતી, દશરથભાઇ વીરજીભાઇ (જી.આર.ડી.)ને કપાળના ભાગે પથ્થર વાગવાથી ઇજા થયેલ હતી જયારે મુકેશભાઈ ભીખાભાઈ (જી. આર.ડી.) પથ્થર વાગવાથી પીઠના ભાગે ઇજા થયેલ હતી.