ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું: ભુવનેશ્વર કુમારની 5 વિકેટ: ભારતે અફઘાનિસ્તાન સામે 101 રને વિજય નોંધાવ્યો: રનની દ્રષ્ટીએ ભારતનો બીજો સૌથી મોટો વિજય
અફઘાનિસ્તાન સામે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અજાયબી કરી બતાવી છે. કોહલીએ આ મેચમાં ટી20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારી છે. કોહલી 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 122 રને અણનમ પાછો ફર્યો હતો. લાંબા સમય બાદ વિરાટ કોહલીના બેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં આવી છે. તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી આવી છે. આ પહેલા કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ પોતાની આ શાનદાર સદીને તેના પરીવારને સમર્પિત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, “તમે મને અહીં જોઈ રહ્યા છો કારણે કે, એક વ્યક્તિએ મારા માટે તમામ વસ્તુઓ યથાર્થ રીતે મુકી હતી અને તે વ્યક્તિ છે અનુષ્કા. આ સદી તેના માટે અને અમારી પુત્રી વામીકા માટે છે.” પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 32 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ વિરાટ કોહલીએ આજે વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.
ભારતે અફઘાનિસ્તાન સામે 101 રને વિજય નોંધાવ્યો જે રનની દ્રષ્ટીએ ભારતનો બીજો સૌથી મોટો વિજય છે. ભારતે 2018માં આયર્લેન્ડ સામે 143 રને વિજય નોંધાવ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાન માટે રનની દ્રષ્ટીએ આ બીજો સૌથી મોટો પરાજય છે. 2012માં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનનો 116 રને પરાજય થયો હતો. ભુવનેશ્વરે ચાર ઓવરમાં ચાર રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જે ટી20 ક્રિકેટમાં ભારતીય બોલર તરીકે ત્રીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. દીપક ચહરે 2019માં નાગપુરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશ સામે સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 2017માં બેંગલુરૂમાં ઈંગ્લેન્ડ સામે 25 રનમાં છ વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ 122 રનની અણનમ ઈનિંગ્સ રમી જે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં તેની પ્રથમ સદી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારતીય બેટર દ્વારા નોંધાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. તેણે 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી પણ કરી.
છેલ્લે નવેમ્બર 2019માં કોહલીએ ફટકારી હતી સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ સદી ફટકારી હોય તે ઘટનાને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. કોહલીએ છેલ્લે 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. કોલકાતામાં રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં કોહલીએ બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે છેક 8 સપ્ટેમ્બર 2022માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.
વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી
અફઘાનિસ્તાન સામેની સદી કોહલીની 71મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગે પણ 71 સદી ફટકારી હતી. આ યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચના સ્થાને છે. જ્યારે બીજા ક્રમે સંયુક્ત રીતે કોહલી અને રિકી પોન્ટિંગ છે. શ્રીલંકાના કુમાર સંગાકરાએ 63 અને સાઉથ આફ્રિકાના જેક કાલિસે 62 સદી ફટકારી છે.