કોહલીએ પોતાની જાતને તરોતાજા રાખવા માટે બ્રેક લેવી અતિ આવશ્યક: રવિ શાસ્ત્રી
છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીનો પીછો છોડી રહ્યું નથી. હાલમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં પણ તેનું કંગાળ ફોર્મ જારી રહ્યું છે. તે નવ મેચમાં ફક્ત 128 રન જ નોંધાવી શક્યો છે. હવે વધુ પડતી રંધાઈ ગયેલી રસોઈ જેવા કોહલીએ બ્રેક લેવો જરૂરી બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કોહલી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો.
કોહલીનું આ કંગાળ ફોર્મ જોતા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વધુ એક વખત જણાવ્યું છે કે કોહલીએ પોતાની જાતને તરોતાજા રાખવા માટે બ્રેક લેવાની જરૂર છે.
બ્રેક લેવો તેના માટે સારું રહેશે કારણ કે તે નોન-સ્ટોપ ક્રિકેટ રમી રહ્યો છે અને ત્રણેય ફોર્મેટનો સુકાની પણ હતો. તેથી બ્રેક લેવો તેના માટે ઘણું સારું રહેશે. હાલમાં તે આઈપીએલ-2022માં રમી રહ્યો છે. તેથી કોહલીએ તેની જે ચિંતા કરે છે તેમના માટે બ્રેક લેવો જોઈએ. હું ફક્ત વિરાટ કોહલી જ નહીં પરંતુ અન્ય ખેલાડીઓને પણ કહું છું. જો તમે ભારત માટે રમવા અને સારું કરવા માંગતા હો, તો તમારે તે રેખા દોરવી પડશે જ્યાં તમે તે વિરામ લેવા માંગો છો અને આદર્શ વિરામ એ ઓફ-સિઝન હશે જ્યાં ભારત રમી રહ્યું નથી અને ટીમ ઈન્ડિયા ત્યારે જ નથી રમતી જ્યારે આઈપીએલ હોય છે. ક્યારેક તમારે તમારી ફ્રેન્ચાઈઝીને કહેવાની જરૂર છે કે હું ફક્ત અડધી સિઝન જ રમીશ. તમે મને રૂપિયા પણ અડધા જ આપજો.
જો તમે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તમારા વ્યવસાયની ટોચ પર પહોંચવા માંગતા હોવ તો તે મુશ્કેલ નિર્ણય લેવાની જરૂર હોય છે.કોહલીની પ્રશંસા કરતા શાસ્ત્રીએ તેને શ્રેષ્ઠ બેટર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોહલી હજી યુવાન છે અને તે તેની પાસે હજી 5-6 વર્ષ છે. તેને ખ્યાલ જ હશે કે છેલ્લા કેટલાક સમયથી તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂતકાળમાં ઘણા એવા ખેલાડીઓ છે જે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે. પ્રથમ બોલ પર આઉટ થવાની વાત છે તો મને તેનાથી કોઈ ચિંતા નથી. પરંતુ જ્યારે તમે તમારી વિકેટ ફેંકી દો છો તે વધારે નિરાશાજનક છે.
નોંધનીય છે કે વિરાટ કોહલીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 2019માં બાંગ્લાદેશ સામે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ફટકારી હતી. ત્યારબાદ તે એક પણ સદી ફટકારી શક્યો નથી. કોહલી હાલમાં ભારતીય ટીમમાં એક બેટર તરીકે રમી રહ્યો છે. તેણે ટી20 ટીમનું સુકાની પદ છોડી દીધું હતું અને બાદમાં તેને વન-ડે ટીમના સુકાની પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ તેણે ટેસ્ટ ટીમનું સુકાની પણ પણ છોડી દીધું હતું.