રિષભ પંત સદી ચુકતા ચાહકો નિરાશ: ભારતે ૬૪૯/૯ રને પ્રથમ દાવ ડિકલેર કર્યો
બેટસમેનો માટે હંમેશા સ્વર્ગ મનાતી ખંઢેરીની વિકેટ પર ગઈકાલે પૃથ્વી શોએ રનોની આતશબાજી કર્યા બાદ આજે ભારતના સુકાની વિરાટ કોહલી અને લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ રનનું રમખાણ સર્જી દીધું હતું. બંને ખેલાડીઓએ આજે ફાંફડી સદી ફટકારતા ક્રિકેટ રસીકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી જોકે વિકેટ કિપર બેટસમેન રિષભ પંત ૮ રન માટે સદી ચુકતા ચાહકો નિરાશ થઈ ગયા હતા. રવિન્દ્ર જાડેજાએ સદી પૂર્ણ કરતાની સાથે જ ભારતે ૬૪૯ રનમાં પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.
રાજકોટ ખાતે રમાય રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ગઈકાલે ભારતે ટોસ જીતી બેટસમેનો માટે પેરેડાઈઝ વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ઓપનર પૃથ્વી શોએ આક્રમક ૧૩૪ રન અને લોકલ બોય ચેતેશ્ર્વર પુજારાએ ૮૬ રન ફટકારતા પ્રથમ દિવસે જ ભારતે ૪ વિકેટના ભોગે ૩૬૪ રન બનાવી લેતા ભારત પ્રથમ દાવમાં જંગી જુમલો ખડકશે તે વાત નિશ્ર્ચિત બની ગઈ હતી. આજે બીજા દિવસે વિરાટ કોહલી અને રીષભ પંતની જોડીએ ભારતના દાવને આગળ વધાર્યો હતો. દરમિયાન વિશ્ર્વના નંબર વન બેટસમેન વિરાટ કોહલીએ આજે પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સદી ફટકારતા ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા.
વનડેની માફક બેટીંગ કરી રહેલા વિકેટ કિપર બેટસમેન રિષભ પંત માત્ર ૮ રન માટે સદી ચુકયો હતો તે ૯૨ રને આઉટ થતા સ્ટેડિયમ પર ઉપસ્થિત પ્રેક્ષકો ભારે નિરાશ થઈ ગયા હતા. પંતના આઉટ થયા બાદ સુકાની વિરાટ કોહલી સાથે દાવમાં જોડાયેલા લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ પણ મેદાનમાં ચોતરફ ફટકાબાજી કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અંગત ૧૩૯ રનમાં આઉટ થઈ ગયો હતો ત્યારબાદ જાડેજાએ બાજી પોતાના હાથમાં લઈ લીધી હતી. તેને ૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૩૨ બોલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા. જાડેજાની સદી પુરી થતાની સાથે જ ભારતીય સુકાની વિરાટ કોહલીએ ભારતનો પ્રથમ દાવ ૬૪૯/૯ ડિકલેર કરી દીધો હતો.રાજકોટની વિકેટ હંમેશા બેટસમેનોને યારી આપી છે આ પાટા વિકેટ પર પ્રથમ દાવમાં ત્રણ-ત્રણ સદીઓ નોંધાઈ છે હજી ત્રણ ઈનીંગ બાકી હોય ખંઢેરીમાં સદીનો વિક્રમ સર્જાય તેવી સંભાવના પણ જણાઈ રહી છે.