વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચ ભારત જીતશે તેવી આશા
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં અનેકવિધ રેકોર્ડ સ્થાપિત કર્યા હતા ત્યારે તેને તોડવા જાણે વિરાટ કોહલી લાઈનમાં જ હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમનાં ભૂતપૂર્વ વિસ્ફોટક ખેલાડી વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું છે કે, સચિનનાં વિરાટ રેકોર્ડને તોડવા કોહલી સક્ષમ છે. વિરાટ કોહલી આ સદીનો સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી છે કે જે સચિનનાં રેકોર્ડને તોડવા માટે સક્ષમ છે. વધુમાં સહેવાગે જણાવ્યું હતું કે, જે રીતે વિરાટ બેટીંગ કરી રહ્યો છે, રન બનાવી રહ્યો છે, સેન્ચયુરી મારી રહ્યો છે તે જોતાં લાગે છે કે વિરાટ આગામી દિવસોમાં ઘણા ખરા રેકોર્ડ તોડી શકશે. વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ જે વેસ્ટ ઇન્ડિઝ સામે પુરી થઈ તેમાં કોહલીએ બેક ટુ બેક સેન્ચ્યુરી ફટકારી તેને તેની ૪૩મી સેન્ચ્યુરી ફટકારી હતી.
સચિન તેંડુલકરે ૪૬૩ વન-ડેમાં ૪૯ સેન્ચ્યુરી ફટકારી છે જયારે માત્ર વિરાટ ૭ સેન્ચ્યુરી જ પાછળ છે. સચિન તેંડુલકર દ્વારા તેને તેની વન-ડે કારકિર્દીમાં ૪૪.૮૩ની એવરેજ સાથે ૧૮,૪૨૬ રન નોંધાવ્યા છે જયારે કોહલી ૬૦.૩૧ની એવરેજ પર હાલ રમી રહ્યો છે. જયારે ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટમાં ૫૧ સદી નોંધાવી છે ત્યારે કોહલી તેનાથી માત્ર ૨૫ સેન્ચ્યુરીઝ પાછળ છે. હાલ ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ ૭૭ ટેસ્ટમાં ૨૫ સેન્ચ્યુરી નોંધાવી છે.
આ તકે સહેવાગે જણાવ્યું હતું કે, સચિનનાં નામે જે ૨૦૦ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ છે તે કોઈપણ વ્યકિત તોડી શકે તેમ નથી. હાલ જે રીતે કોહલી અને સ્ટીવ સ્મિથ વચ્ચે જે સરખામણી થઈ રહી છે ત્યારે તેનાં પ્રતિઉતરમાં સહેવાગે જણાવ્યું હતું કે, કોહલી સ્મિથ કરતાં ઘણો આગળ છે અને વિશ્વનો પ્રથમ નંબરનો બેટસમેન છે. વધુમાં તેઓએ આજથી શરૂ થતી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ માટે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમની સરખામણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ જોઈ તેટલી મજબુત નથી જેથી આશા છે કે, ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ સીરીઝ ૨-૦થી જીતી શકશે.