સીસીટીવી ફૂટેજની મદદથી ક્રાઈમ બ્રાન્ચે પગેરુ દબાવ્યું : આરોપીઓને જેતપુરના ગેસ્ટ હાઉસમાંથી દબોચી લીધા
શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોહીનૂર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટ નં. 301માં રહેતાં યુવાન અસીમભાઇ રાજેન્દ્રભાઇ અનડકટ (ઉ.વ.37) નામના વેપારી યુવાનને બેશુધ્ધ કરી બાદમાં તેમના માતા ઉર્વશીબેન રાજેન્દ્રભાઇ અનડકટ (ઉ.વ.63)ને ચાદરથી બાંધી દઇ મોઢે ડુચો દઇ બાથરૂમમાં પુરી દઇ નેપાળી નોકરાણી સુશિલા અને તેની સાથેનો શખ્સ દ્વારા રૂા.15,25,000ની મત્તા લૂંટી ભાગી જતાં સનસનાટી મચી ગઇ હતી.
જ્યારે આ ઘટનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી લૂંટારૂ દંપતીને અને તેની સાથેના વધુ એક શખ્સને જેતપુર ખાતેના ગેસ્ટ હાઉસમાં ધરપકડ કરી રાજકોટ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ ઉર્વશીબેન અનડકટના ઘરે ચારેક મહિનાથી ઘરકામ કરવા આવતી સુશિલા અને તેના પતિએ ફુલપ્રુફ પ્લાન ઘડી આ લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ બંને રિક્ષામાં બેસી વૈશાલીનગરના પોતાના ઘરે ગયા હતાં અને ત્યાં કપડા બદલાવી, મોબાઇલ તોડી ત્યાં જ ફેંકી અમુક સામાન લઇ બીજી રિક્ષામાં બેસી નીકળી ગયાની વિગતો સામે આવતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ લૂંટની ઘટના સ્થળે રૂબરૂ પહોંચી ભોગ બનેલા પરિવાર પાસેથી વિગતો મેળવી હતી અને ખુબ ઝડપથી આરોપીઓ પકડાઇ જશે તેવી ખાત્રી આપી હતી. તેમજ ટીમોને પણ ભેદ ઝડપથી ઉકેલી કાઢવા સુચના આપી હતી.
ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. બી. બસીયા, એસીપી બી. વી. પંડયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. પી. રજીયા, એલસીબી પીએસઆઇ ઝોન-2 એચ. આર. ઝાલા અને ટીમો કામે લાગી હતી. બંનેને શોધી કાઢવા ટીમો કામે લાગી હતી. દરમિયાન લૂંટારૂ નોકરાણી અને તેની સાથેના શખ્સનું પગેરૂ શોધવામાં સફળતા મળી હતી અને લૂંટારો દંપતી અને તેને સાથેના એક શખ્સની જેતપુરના ગેસ્ટ હાઉસ માંથી ધરપકડ કરી હોવાથી વિગતો જાણવા મળી છે.