મુકાદમ મહિલા શ્રમજીવીઓને કામે આવવાનું કહેવા નીકળ્યા બાદ લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો’તો: બ્લેક મેઇલીંગથી કંટાળી હત્યા કર્યાની કબુલાત
કોડીનાર તાલુકાના બોડલા ગ્રામ પંચાયતના મહિલા સભ્યની બે દિવસ પહેલાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા તેણીના પરિણીત પ્રેમીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. મૃતક બ્લેક મેઇલીંગ કરતી હોવાથી હત્યા કર્યાની કબુલાત આપી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોડલા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નંદુબેન બાબુભાઇ રાઠોડની ગામના ભૂપતભાઇ સોલંકીની વાડી પાસેથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા મૃતકના પુત્ર સંદિપભાઇ રાઠોડે અજાણ્યા શખ્સો સામે છરીથી હુમલો કરી પોતાની માતાની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નંદુબેન રાઠોડ આજુબાજુના ગામમાં મજુરો પહોચતા કરવાનું મુકાદમનું કામ કરતા હોવાથી ગત રાતે દિપકભાઇ સોસાનો મજુરો બાબતે ફોન આવતા તેમને મળવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતા-પુત્રએ શોધખોળ શરૂ કરી હતી અને ગ્રામ પંચાયત કચેરીના સીસીટીવી ફુટેજમાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતા હોવાનું જોવા મળ્યા હતા.
પી.આઇ. એસ.એન.ચુડાસમા સહિતના સ્ટાફે દિપક સોસાની તપાસ કરતા તે પ્રથમ મળી ન આવતા તેની હત્યામાં સંડોવણી હોવાની દ્રઢ શંકા સાથે શોધખોળ કરી ઝડપી લીધા બાદ કરેલી પૂછપરછ તેને મૃતક નંદુબેન સાથે આડો સંબંધ હોવાનું અને તે અવાર નવાર બ્લેક મેઇલ કરી પૈસા પડાવતી હોવાથી કંટાળી હત્યા કર્યાની કબુલાત આપી છે.