સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાઈ કરુણાંતિકા: છ કલાક રેસ્ક્યું બાદ બંને મૃતદેહ બહાર કઢાયા
કોડીનાર તાલુકાના ફારચિયા ગામ પાસે કાર કૂવામાં ખાબકતા વડનગરના બે પિતરાઈ ભાઇઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ અંગે ઘટનાની જાણ થતા કોડીનાર પોલીસ મથક અને ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્ટહદ પર દોડી ગ્યવહતા અને છ કલાક સુધી રેસ્ક્યુ કરી બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના ફારચિયા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી ગત રાત્રીના 10 વાગ્યાની અરસામાં એક કાર પૂરઝડપે પસાર થઈ હતી અને જોતજોતામાં કાર કૂવામાં ખાબકી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા. બંને સ્ટાફ દ્વારા સવારે 4 વાગ્યા સુધી રેસ્કયુ કરી કારને બહાર કાઢવામાં આવી હતી. જેમાં 108ના સ્ટાફે તપાસ કરતા કારમાં સવાર બંને યુવાનોના મોત નીપજ્યા હતા.
પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બંને મૃતક વડનગર ગામના મહેશીભાઈ કાળાભાઈ ચંદેરા (ઉ.વ.23) અને રામભાઈ સિદ્દિભાઈ ચંદેરા (ઉ.વ.37) હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને પિતરાઈ ભાઈઓ કાર લઈને નીકળ્યા હતા અને રામભાઈ ચંદેરા કાર ચલાવી રહ્યા હતા. ત્યાર બાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કરુણાંતિકા સર્જાઇ હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.