- તાપી નદીના સ્થળ નિરીક્ષણ પછી હકારાત્મક સંકેતો
સુરતઃ કોચીમાં દેશના પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈને સુરતમાં પણ આવો જ પ્રોજેક્ટ શરૂ કરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. શહેરની વધતી જતી વસ્તી અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે વોટર મેટ્રો એક અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે.
કોચી વોટર મેટ્રોની નિષ્ણાત ટીમે તાજેતરમાં સુરતની મુલાકાત લીધી હતી અને તાપી નદીના વિવિધ સ્થળોનું ઓન-સાઇટ નિરીક્ષણ કર્યું હતું. ટીમે શરૂઆતમાં સકારાત્મક સંકેતો આપ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂંધ-ભાથાને જોડવા માટે પરંપરાગત બેરેજ પ્રોજેક્ટના અમલીકરણ પછી, તાપી નદીમાં મીઠા પાણીનું મોટું તળાવ બનવાની સંભાવના છે. આ તળાવમાં જળ પરિવહન અને વોટર મેટ્રો પ્રોજેક્ટની મોટી સંભાવના છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કોચીની ટીમે તાપી નદીના બંને કાંઠાની મુલાકાત લીધી હતી અને નદીના પટના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે પ્રારંભિક તબક્કામાં વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન કર્યું હતું અને પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યા બાદ વધુ માહિતી પાલિકાની ટીમને સોંપવામાં આવશે.