મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના સ્વમુખેથી માનસ શ્રધ્ધાંજલી રામકથાના આજના છઠ્ઠા દિવસે પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ગુરુ અને સદગ્રંથોના વાક્યમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે.
શુકદેવજી કહે છે કે:રસ્તા પર દ્રષ્ટિ રાખીને પગલાં મુકવા, ગાળીને પાણી પીવું, સત્યમાં નવડાવીને વાણી બોલવી, મનમાં વિચાર કરીને પગલાં ભરવા, શ્રદ્ધામાં સ્નાન કર તો જ્ઞાન તારા આંગણામાં રમવા આવશે આટલું જ કરવાનું છે. અટલ શ્રદ્ધા ક્યાંથી પ્રાપ્ત થાય? ક્યાંયથી નહીં,કારણ કે જન્મ્યા ત્યારથી શ્રદ્ધા લઈને જ આવ્યા છીએ. માનાં પેટમાં બાળક હોય ત્યારે પોતે માની શ્રદ્ધાથી શ્વાસ લે છે. શ્રદ્ધા એટલે આંખોથી દેખાય નહીં છતાં થાય કે અજવાળું ક્યાંક છે. તમે કંઈ નહીં કરો તો શ્રદ્ધા છે જ પણ આડે થોડા વાદળો આવી ગયા છે. ગીતા કહે છે શ્રદ્ધાથી જ્ઞાન મળશે, વિશ્વાસ હશે તો ભક્તિ મળશે, ભરોસો હશે તો ભગવાન મળશે.
મોરબી, ઝુલતાપુલના દુર્ઘટના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના સ્વમુખેથી માનસ શ્રધ્ધાંજલી રામકથાનો આજે સાતમો દિવસ
રકમકથાના છઠ્ઠા દિવસની કથામાં પૂજ્ય બાપુ દ્વારા જણાવ્યું હતું કે જગતગુરુને પ્રશ્નોત્તરીમાં પૂછાયું કે આપની દ્રષ્ટિએ શ્રદ્ધા કોને કહેવાય? રામચરિત માનસમાં પ્રશ્નોત્તરી સાંભળવી હોય તો કાગભુષંડી અને ગરુડજી વચ્ચેની પ્રશ્નોતરી, સાત જ પ્રશ્ન પણ એમાં બેડો પાર છે. કોઈ એકનું જ પ્રવચન સાંભળવા યોગ્ય હોય તો રામ રાજ્યાભિષેક પછી અયોધ્યાની સભામાં ખુદ રામ પ્રવચન કરે છે. સંવાદ સાંભળવાની ઈચ્છા હોય તો ગોદાવરીના તટ ઉપર લક્ષ્મણ અને રામનો સંવાદ ત્યાં તત્વજ્ઞાન છે. અને બકવાસ સાંભળવાની ઈચ્છા થાય તો રાવણના વક્તવ્ય છે
માનસ શ્રદ્ધાંજલિ કથામાં મહાભારતના અલગ અલગ પ્રસંગો કહેતા પૂજ્ય બાપુ કહે છે કે *કૃષ્ણએ ભીષ્મ અને કર્ણને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપી?*
ભીષ્મને શ્રદ્ધાંજલિ એ આપી ગણાય કે અંતિમ સમયે પરમતત્વ ત્યાં આવીને ઊભું છે. યુધિષ્ઠિરને નિમિત બનાવી અને બાણશૈયા પર ભીષ્મ સુતા છે તે વખતે કૃષ્ણ સ્વયં ત્યાં આવીને દર્શન આપે છે એ સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. અને
કર્ણને શ્રદ્ધાંજલિ એ રીતે આપી કે મહાભારતનું ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અર્જુનના ભયંકર બાણથી કર્ણનો રથ પચાસ મીટર દૂર ફેંકાઈ જાય છે, કૃષ્ણ સારથી હોવા છતાં શાબાશ ધનંજય- એવું એક પણ વખત બોલતા નથી. પરંતુ કર્ણ દ્વારા અર્જુનના રથ ઉપર બાણ ફેંકે છે ત્યારે અર્જુનનો રથ માંડ દસેક ડગલાં પાછળ ફેકાય છે એ વખતે સૂર્યપુત્ર ધન્ય હો, ધન્ય હો કર્ણ એવું કૃષ્ણ કહે છે. અર્જુન પૂછે છે કે હું ધન્યવાદને પાત્ર નથી થતો અને કર્ણ આટલો જ દૂર રથ ફેકે છતાં પણ આપ એને ધન્યવાદ આપો છો! ત્યારે કૃષ્ણ કહે છે કે કર્ણના રથ ઉપર અસ્ત્ર-શસ્ત્ર સિવાય કશું નથી.તારા રથ ઉપર હું સમગ્ર બ્રહ્માંડનો ભાર અને વજન લઈને બેઠો છું અને છતાં પણ કર્ણ એને દસ ડગલાં દૂર ફેંકી દે છે એ જ ધન્યવાદને પાત્ર છે. આમ કૃષ્ણએ કર્ણને આપેલી આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. બાપુએ કહ્યું કે આપણે ત્યાં તિથિઓનું આખું શાસ્ત્ર છે: નવું વર્ષ એ પહેલી-એકમ છે, ભાઈબીજ છે, બારબીજ પણ છે, અક્ષય તૃતિયા, ગણેશ ચતુર્થી, લાભપાંચમ, રાંધણછઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રામનવમી, દશેરા, ભીમઅગિયારસ, વામનદ્વાદસી, 13નો અંક ગુરુ નાનકએ પકડ્યો, કાળી ચતુર્દશી, પૂનમમાં શરદપૂનમ, વ્યાસ પૂર્ણિમા, બુદ્ધપૂર્ણિમા, વાલ્મિકીપૂર્ણિમા, કબીરપૂર્ણિમા, પોષી પૂનમ. આજની રામકથાગાનમાં શિવચરિત્ર શિવવિવાહની સંવાદી કથાનું ગાન થયું.અને આજના છઠ્ઠા દિવસની રામકથાને વિરામ આપ્યો હતો.