- શરીરનાં અલગ-અલગ અંગો પર તલનાં ફળ પણ અલગ-અલગ હોય છે
- વિવિધ અંગો પરના તલ દાંપત્યજીવનનો સંકેત આપે છે
આપણા શરીર પર જન્મજાત ઘણા પ્રકારના નિશાન હોય છે, જેને આપણે આપણે તલ, મસ્સા અને લાલ મસ્સા કહીએ છીએ. ત્યારે જણાવી દઈએ કે સમુદ્રશાસ્ત્રમાં શરીર પર તલનું અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. શરીર પરના તલ વ્યક્તિના ભવિષ્ય અને ચરિત્ર વિશે ઘણું બધું દર્શાવે છે. તલ અને મસ્સા બંનેની એક સરખી જ અસર થાય છે. લાલ તલ શરીરના જે ભાગ પર હોય એ શુભ માનવામાં આવે છે, જયારે કાળા ટલ કોઈક જગ્યાએ શુભ અને કોઈક જગ્યાએ અશુભ અસર કરે છે.
ચહેરા પર તલ
સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરા પર તલ હોવું સુખી, સમૃદ્ધ અને સૌમ્ય હોવાનો સંકેત છે. આ વ્યક્તિનું નસીબ સમૃદ્ધ હોય છે. જીવનસાથી સજ્જન હોય છે. ગાલ પર લાલ તલ શુભ પરિણામ આપે છે. ડાબા ગાલ પર કાળો તલ હોય એ વ્યક્તિને ઘણો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ જમણા ગાલ પરનો તલ વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે. જો જડબા પર તલ હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે. એવી સ્ત્રી કે જેની દાઢી પર તલ હોય, તો તેનામાં મિલનસારતા ઓછી હોય છે. હોઠની ડાબી બાજુ તલ હોય તો જીવનસાથી સાથે મતભેદ બની રહે છે, તાલમેલનો અભાવ હોય છે.
હોઠ પર તલ
નીચલા હોઠ પર તલનું નિશાન હોય એ લોકો ખાવા પીવાના શોખીન હોય છે. આ વ્યક્તિઓ તેમના ક્ષેત્રમાં વિશેષ સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, આવી વ્યક્તિમાં કામની ભાવના વધુ હોય છે, તે વિરોધી લિંગ તરફ આકર્ષાય છે.
કપાળ પર તલ
સમુદ્રશાસ્ત્ર મુજબ, કપાળના મધ્ય ભાગમાં તલવાળી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભાગ્ય તેમને સાથ આપે છે, જીવનમાં સફળ થાય છે. કપાળ પર જમણી બાજુએ તલ કોઈ ચોક્કસ વિષયમાં નિપુણતાની નિશાની છે, પરંતુ ડાબી બાજુએ તલ ઉડાઉ હોવાની નિશાની છે.
છાતી પર તલ
છાતીની જમણી બાજુ તલ હોય એવા પુરુષો ભાગ્યશાળી હોય છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, જે વ્યક્તિની છાતીની જમણી બાજુ પર તલ હોય છે તે શ્રીમંત હોય છે અને તેનો જીવનસાથી સુંદર અને લાયક હોય છે. જે વ્યક્તિની છાતીની ડાબી બાજુ તલ અથવા મસ્સા હોય છે, તે મોટી ઉંમરે લગ્ન કરે છે. છાતીની મધ્યમાં તલ સુખી જીવન સૂચવે છે. જો કોઈ સ્ત્રીના હૃદય પર તલ છે, તો તે ભાગ્યશાળી હોય છે.
હાથ પર તલ
હાથ પર તલ હોવું બુદ્ધિશાળી હોવાની નિશાની છે. જો જમણી હથેળી પર તલ હોય તો તે મજબૂત હોય છે અને જો જમણી હથેળીના પાછલા ભાગમાં હોય તો તે સમૃદ્ધ હોય છે. જો ડાબી હથેળી પર તલ હોય, તો ઉડાઉ હોય છે, અને જો ડાબી હથેળીની પાછળની બાજુ તલ હોય, તો તે કંજુસ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, હથેળી પર અંગૂઠાની નીચેના ભાગ પર તલ હોય છે તે કામુક હોય છે. તેમને ગુપ્ત રોગ થવાની સંભાવના રહે છે. જો અંગૂઠા પર તલ હોય, તો તે વ્યક્તિ કાર્યક્ષમ, કુનેહપૂર્ણ અને ન્યાયી હોય છે. જેની પહેલી આંગળી પર તલ હોય છે, એ લોકો વિદ્વાન, ગુણવાન અને ધનવાન હોય છે અને તેઓ દુશ્મનો સાથે લડે છે.
અંગૂઠો : અંગૂઠા પર તલ હોય તેવી વ્યક્તિ કાર્યકુશળ, વ્યવહારકુશળ તથા ન્યાયપ્રિય હોય છે.
તર્જની : જેની તર્જની આંગળી પર તલ હોય તો વિદ્યાવાન, ગુણવાન અને ધનવાન હોય છે, પરંતુ પોતાના શત્રુઓથી પીડિત હોય છે.
મધ્યમા : મધ્યમા આંગળી પર તલ હોય તો તે ઉત્તમ ફળદાયી હોય છે. આવી વ્યક્તિ સુખી થાય છે. તેનું જીવન શાંતિપૂર્ણ હોય છે.
અનામિકા : જેની અનામિકા આંગળી પર તલ હોય તે જ્ઞાની, યશસ્વી, ધનવાન અને પરાક્રમી હોય છે.
કનિષ્ઠિકા : ટચલી એટલે કે કનિષ્ઠિકા આંગળી પર તલ હોય તો તે વ્યક્તિ સંપત્તિવાન હોય છે. તે તમામ પ્રકારનાં ભૌતિક સુખ ભોગવે છે, પરંતુ તેનું જીવન દુ:ખમય હોય છે.
આંખ પર તલ
જો જમણી આંખની કિકી પર તલ હોય તો તે વ્યક્તિ ઉચ્ચ વિચાર ધરાવતો હોય છે. આંખની કિકી પર તલવાળા લોકો સામાન્ય રીતે ભાવનાત્મક હોય છે. જો તલ આંખના પોપચા પર હોય, તો વ્યક્તિ સંવેદનશીલ હોય છે. જમણા પોપચાં પર તલવાળા વધુ સંવેદનશીલ હોય છે. જમણી આંખ પરની તલ જીવનસાથી સાથે સુમેળ હોવાનો અને ડાબી આંખ પરની તલ સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા હોવાનો આભાસ આપે છે.
ગળા પર તલ
ગળા પર તલ હોય તે વ્યક્તિનો અવાજ સારો હોય છે. આવી વ્યક્તિઓ તેમના અવાજનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકે છે. તેઓ સંગીત અને ગાયનના શોખીન હોય છે. જો ગળાના પાછલા ભાગ પર તલ હોય તો વ્યક્તિને કરોડરજ્જુમાં સમસ્યા થઈ શકે છે.
પગ પર તલ
સમુદ્રશાસ્ત્ર મુજબ, જે લોકોના પગ પર તલ હોય તેઓને તેમના જીવનમાં વધુ મુસાફરી કરવા મળે છે. જમણા પગની એડી અથવા અંગૂઠા પર તલ હોવાને શુભ પરિણામ માનવામાં આવે છે. જો તલ ડાબા પગમાં હોય, તો પછી તેમને થોડો સંઘર્ષ કરવો પડે છે. તેમના પૈસા બિન-જરૂરી વિષયોમાં ખર્ચાય છે.
નાક : જેમના નાક પર તલ હોય તેઓ પ્રતિભાવાન અને સુખી હોય છે. નાકના અગ્ર ભાગમાં તલ હોય તો વ્યક્તિ વિલાસી હોય છે.
કમર : જે વ્યક્તિની કમર પર તલ હોય તે હંમેશાં મુશ્કેલીઓથી ઘેરાયેલી રહે છે. જોકે, તે મુશ્કેલીમાંથી બહાર પણ જલદી આવી જાય છે.
ઘૂંટણ : ઘૂંટણ પર તલ હોય તો શત્રુઓનો નાશ થાય છે. જમણા ઘૂંટણ પર તલ હોય એવી વ્યક્તિનું ગૃહસ્થ જીવન સુખમય અને ડાબા ઘૂંટણ પર હોય તેમનું ગૃહસ્થ જીવન દુ:ખમય હોય છે.
કોણી : કોણી પર તલ હોય તેવી વ્યક્તિ સામાન્ય રીતે વિદ્વાન હોય છે.
કાંડું : કાંડા પર તલનું હોવું બહુ શુભ નથી. તે ભવિષ્યમાં તમારા જેલવાસ ભોગવવાનો સંકેત આપે છે.
બાવડું : જમણા બાવડા પર તલ હોય તેવી વ્યક્તિ પ્રતિષ્ઠિત તથા બુદ્ધિમાન હોય છે.
પીઠ પર તલ : છોકરીઓની પીઠ પર તલ પતિ માટે શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓ પતિનું નસીબ મજબૂત બનાવે છે.
કપાળ પર તલ : કપાળની જમણી બાજુએ તલ છોકરીઓના સૌભાગ્યનો સંકેત આપે છે. આવી છોકરીઓના લગ્નમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને ઈચ્છિત વર મળવાની સાથે તેમને સમૃદ્ધિ પણ મળે છે.
ડૂંટીની નીચે તલ : છોકરીઓની ડૂંટીની નીચે તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જેઓ બહુ નસીબવાળી ગણાય છે.
કપાળની મધ્યમાં તલ : છોકરીઓ માટે ભ્રમરની મધ્યમાં તલ હોવું ખૂબ જ શુભ હોય છે. તે પતિના ભાગ્યને અસર કરે છે. આવી છોકરીઓ પતિ માટે લકી સાબિત થાય છે અને સાથે જ તેમને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
જાંઘ પર તલ : છોકરીઓની જાંઘ પર તલ સારો સંકેત છે. આવી છોકરીઓના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે અને તેઓ સુખી જીવન જીવે છે.
કાન પર તલ : છોકરીઓના કાન પર તલ હોવું પણ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓના ભાગ્યમાં ધનનો સરવાળો હોય છે અને સાથે જ તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
અસ્વીકરણ : ‘આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી માહિતી/જ્યોતિષીઓ/પંચાંગ/ઉપદેશ/ધાર્મિક માન્યતાઓ/શાસ્ત્રોના વિવિધ માધ્યમોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, વાચક અથવા વપરાશકર્તાએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.