તાજેતરમાં જ રાજ્યના રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરના બ્લેકસ્પોટની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં નવા 87 બ્લેકસ્પોટનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે ચોંકાવનારી વિગતો એવી છે કે, રાજકોટ ગ્રામ્યના ફકત ત્રણ બ્લેકસ્પોટે ત્રણ વર્ષમાં 21 લોકોનો ભોગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય બ્લેકસ્પોટ ગોંડલ રોડ હાઇવે પર જ આવેલ છે. ત્યારે બ્લેકસ્પોટનો ઉકેલ લાવવો પડકારજનક સાબિત થઇ રહ્યું છે. ફકત ત્રણ બ્લેકસ્પોટ દર વર્ષે નોંધપાત્ર લોકોને ભરખી રહ્યો હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બ્લેકસ્પોટ ઓળખવામાં આવતા હોય છે. જેમાં નેશનલ હાઈ-વે, સ્ટેટ હાઈ-વે અને અન્ય રસ્તાઓ કે જે જોખમી હોય અને જ્યાં એક્સિડન્ટ્સની સંખ્યા વધારે હોય તે જગ્યાને બ્લેકસ્પોટ તરીકે નક્કી કરવામાં આવે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના 2021, 2022 અને 2023ના ડેટા અનુસાર ગુજરાતમાં નવા 87 બ્લેકસ્પોટ ઓળખવામાં આવ્યાં છે, જેની માહિતી હાલમાં જાહેર કરવામાં આવી છે. વિવિધ સ્થળોના બ્લેકસ્પોટ પર મળીને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 647 અકસ્માતમાં 462 લોકોનાં મૃત્યુ થયાં છે.
મોસ્ટ ડેન્જરસ પોઇન્ટ…
કિસાન પેટ્રોલ પંપ, મારુતિ પેટ્રોલિયમ અને શાપર પુલ ઉતર્યા બાદનો માર્ગ
હવે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 2 ના વધારા સાથે બ્લેક્સપોટની સંખ્યા 18ને આંબી ગઈ છે. આ 18 બ્લેકસ્પોટના લીધે કેટલા અકસ્માત થયાં અને તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા અંગે હજુ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે પણ રાજકોટ ગ્રામ્યમાં ફકત 3 જેટલાં જ બ્લેકસ્પોટ છે. જે ત્રણેય ગોંડલ રોડ હાઇવે પર આવેલ છે. જેમાં કિસાન પેટ્રોલ પંપ – ખોડિયાર હોટેલ, મારુતિ પેટ્રોલિયમ, વેરાવળ અને શાપરનો પુલ ઉતર્યા બાદના મુખ્ય માર્ગનો સમાવેશ થાય છે.
હવે આ ત્રણ બ્લેકસ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2021,2022 અને 2023માં થોકબંધ અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતોમાં કુલ 21 લોકો મોતને ભેંટ્યા છે. ત્રણ વર્ષમાં કિશાન પંપ પાસે 5 એક્સીડેન્ટમાં 4 લોકોના મોત નીપજ્યું છે. મારુતિ પેટ્રોલિયમ પાસે 10 એક્સીડેન્ટમાં 5 ના મોત થયાં છે જયારે શાપરનો પુલ ઉતરવાના માર્ગે 13 એક્સીડેન્ટના બનાવમાં 12 લોકો કાળને ભેંટ્યા છે.
અકસ્માત ઘટાડવા શું કરવાની જરૂર?
બ્લેકસ્પોટ મોટાભાગે ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારની આસપાસ હોય છે. હવે આ સ્થળો પર અકસ્માત બનવા પાછળના મુખ્ય પરિબળોમાં ડિવાઈડર તોડીને બનાવવામાં આવેલા ડાયવર્ઝન સૌથી વધુ જવાબદાર પરીબળ ગણવામાં આવે છે. તંત્ર દ્વારા વારંવાર રીપેરીંગ કરવામાં તો પણ તોડી પાડવામાં આવે છે. હવે આ સ્થળ પર રાહદારી અથવા વાહનચાલકો રસ્તો ક્રોસ કરવા જાય ત્યારે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે હવે લોકોએ ગેરકાયદે ડાયવર્ઝન બનાવવાથી દૂર રહેવાની જરૂર છે તેમજ ગોંડલ રોડ હાઇવે પરના બ્લેકસ્પોટ દૂર કરવા નિર્માણાધિન સિક્સ લેન પ્રોજેક્ટમાં સેફટીને લગતા નિયમોને ધ્યાને રાખી ઝડપી કામગીરી કરવાની જરૂર છે. એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે, રસ્તો ઓળંગી શકાય તેવા ફૂટ ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવવાની જરૂરિયાત છે.
અકસ્માત પાછળ જવાબદાર પરિબળો ક્યાં?
- ગેરકાયદે ડિવાઈડર તોડી બનાવવામાં આવેલા ડાયવર્ઝન
- બંને બાજુ રહેણાક અથવા તો ઔદ્યોગિક વિસ્તાર
- વળાંક કે શાર્પ વળાંકવાળા રોડ
- હાઈ-વે પર ચાર રસ્તાના કારણે
- સ્પીડબ્રેકરના અભાવના કારણે
- દ્વિ-માર્ગીય રોડ પછી એક માર્ગીય રોડ
બ્લેકસ્પોટનો અર્થ શું?
બ્લેકસ્પોટ એટલે હાઈ-વે પર 500 મીટર લાંબો એવો હિસ્સો કે જ્યાં 3 વર્ષમાં 5 અકસ્માત સર્જાયા હોય અથવા 10 મૃત્યુ નોંધાયાં હોય. આ કામગીરી રોડ સેફ્ટી ઑથોરિટી,આરટીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને એક્સપર્ટ્સની એક કમિટી દ્વારા તૈયાર કરાય છે. મોટાં શહેરોમાં કમિટીના અધ્યક્ષ પોલીસ કમિશનર હોય છે, જ્યારે જિલ્લાઓમાં કલેક્ટર હોય છે. ઓથોરિટી દ્વારા ગયા વર્ષે 264 બ્લેકસ્પોટની વિગતો જાહેર કરાઈ હતી. તેમાં હાલમાં 87 બ્લેકસ્પોટ ઉમેરાયા છે.