આપણે રસોડામાં એક કામ કરતા હોય ત્યારે બીજું ભુલાઇ જતું હોય છે. તેમજ કોઇ વાનગી પ્રથમ વખત બનાવતા હોય તો, તેના માટે જોઇતી સામગ્રીઓ પહેલાથી જ ભેગી કરી દેટી હોય છે. આ ઉપરાંત જે પણ વાનગીની રીત હોય તેના જ અનુસાર મસાલા તેમજ અન્ય ખાદ્યપદાર્થોના માપ લેવા. પ્રથમ વખત બનાવતી વખતે પોતાની રીત ઉમેરવી નહીં.
-રસોઇમાં મીઠાના પ્રમાણ અંગે ઘણી મહિલાઓ અવઢવમાં હોય છે. ઘણી વખત મીઠુ વધારે પડી જતું હોય છે અથવા તો ઓછું પડતું હોય છે. ત્યારે પીરસતા પહેલા જ વાનગીમાં પ્રમાણસર મીઠું છે કે નહીં તે ચાખી લેવું.
-જો કોઇ વાનગીમાં મીઠું વધુ પડી ગયું હોય તો વધારાના મીઠાને શોષી લેવા તેમાં બટાટાની સ્લાઈસ મુકી દેવી. બટાટાની સ્લાઇસ પાતળી હોવી જરૂરી છે. બટાકામાં મીઠું શોષી લેવાનો ગુણધર્મ છે. જેથી તે વાનગીમાંના વધારાના મીઠાના પ્રમાણને ઓછું કરી શકે છે.
-મહિલાઓ મોટા ભાગે અઠવાડિયાના શાક-ભાજી, ફળો અને ગ્રોસરી ભરી લેતી હોય છે. જેથી વારંવાર બહાર લેવા જવું ન પડે. આ સમય તેમજ પૈસાની બચત કરે છે તે સાચું, પણ સાથેસાથે એક વાત છે કે તે તાજા રહેતા નથી. તેમજ શાક અને ફળોમાંના વિટામિન્સ અને ખનિજ નાશ પામવા લાગે છે. તેમજ તેને બે દિવસથી વધુ સંઘરવામાં આવે તો તેમાંનું ન્યુટ્રેશન પણ નાશ પામે છે. તેથી સમયાંતરે શાક-ફળોને તાજા જ ખરીદવા જોઇએ.
ઉપયોગમાં લેતા પહેલાં ફળ અને શાકને ધોવા જરૂરી છે. સફરજન, ચીકુ વગેરેની છાલ ઉતારીને ખવાતી હોય તો લોકો ધોવાનું ટાળતા હોય છે જે યોગ્ય નથી. આ ફળોની છાલમાં વધુ પ્રમાણમાં એન્ટિઓકિસડન્ટસ અને ફાઇબર સમાયેલા હોય છે. જેથી તેની છાલ ઉતારવાથી તેના ગુણનો ફાયદો આરોગનારને મળતો નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી આ ફળો છાલ સહિત જ ખાવા જોઇએ.
-રસોઇ કરતા પહેલા રસોડું અન પ્લેટફોર્મ સ્વચ્છ હોવું જરૂરી છે. સવારે પણ ચા-કોફી-દૂધ ગરમ પૂર્વે પ્લેટફોર્મને ભીના કપડાથી લૂછવું જોઇએ. જેથી રાતના જો તેના પર કોઇ જીવજંતુ ફર્યા હોય તો તેની ગંદકી દૂર કરી શકાય. તેમજ કોથમીર,મેથી અને અન્ય ભાજીઓને બજારમાંથી લાવ્યા બાદ તેને ઝીણી સમારી ધોઇ કાગળ પર સુકવીને ભરવી.
-સમારેલા શાકને રેફ્રિજરેટરમાં ખુલ્લા ન મુકતાં એરટાઇટ ડબામાં રાખવા અથવા તો સિલ્વર ફોઇલમાં રાખવાથી તાજા જ રહેશે. પનીરને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખ્યું હોય તો તેને ઉપયોગમા લેવાના પહેલા થોડો સમય હુંફાળા પાણીમાં ડુબાડીને રાખવું. આ સખત પનીરનો ઉપયોગ કોફ્તા બનાવામાં કરવો. કોફ્તા બનાવતા પૂર્વે પનીરમાં મિલ્ક પાવડર ભેળવવો.
-ઘણી મહિલાઓને મરચાં સમારવાથી હાથમાં બળતરા થતી હોય છે. તો તેમણે હાથના નખની આસપાસ તેલ લગાડી દેવું જેથી બળતરા થશે નહીં.
-પુલાવ બનાવતી વખતે ચોખા અડધા પડધા ચડી જાય ત્યારે તેમાં એક ચમચી ખાંડ નાખવાથી ચોખાનો દાણે દાણો છૂટો પડી જશે અને સુંગધ પણ સરસ આવશે.
-જ્યારે પણ એકદમ દહીંની જરુરીયાત ઉભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેરવણ નાખી તેમાં એક લાલ મરચું મુકી દો, દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઇ જશે.
-રોટલીને વધુ પોષ્ટિક બનાવવા માટે લોટ દળાવતી વખતે 1:5 ના પ્રમાણમાં સોયાબીનના દાણાં ઉમેરો.
-બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલા તેમા છાપાના ટુકડાના મોટા-મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને ટેલ્ડમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ પણ નહીં આવે અને જીવાત પણ નહીં પડે.
-રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.