નીતા મહેતા
હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગોના દર્શન નું ખૂબ મહત્વ છે. જ્યાં જ્યાં મહાદેવ સાક્ષાત પ્રગટ થયા છે, ત્યાં જ્યોતિર્લિંગ ની સ્થાપના થઈ છે. ઝારખંડના દેવધર માં બૈધનાથ ધામ માં “કામના લિંગ” રાવણની ભક્તિનું પ્રતીક છે. કહેવાય છે કે ભોળાનાથ અહીંયા આવનાર દરેકની મનોકામના પૂરી કરે છે તેથી આ શિવલિંગ “કામના લીંગ” તરીકે ઓળખાય છે. પાંચમા જ્યોતિર્લિંગ બાબા બૈધનાથ ધામ ની કથા લંકા પતિ રાવણ સાથે જોડાયેલી છે.
ભગવાન શિવનાં ભક્ત રાવણ અને બાબા બૈધનાથની કથા અલગ જ છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે હિમાલય પર તપ કરતો હતો. તે એક એક કરીને પોતાનું માથું કાપીને શિવલિંગ ઉપર ચઢાવતો હતો. 9 માથા ચઢાવ્યા પછી જ્યારે રાવણ 10મું માથું કાપવા ગયો કે તરત જ ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને એને દર્શન દીધા અને વરદાન માગવા કહ્યું.
ત્યારે રાવણે “કામના લિંગ” ને લંકા લઈ જવાનું વરદાન માંગી લીધું. રાવણની પાસે સોનાની લંકા સિવાય ત્રણેય લોકમાં શાસન કરવાની શક્તિ તો હતી, સાથોસાથ એમણે દેવતા, યક્ષ અને ગાંધર્વને કેદ કરીને લંકામાં રાખ્યા હતા. એટલા માટે રાવણે વિચાર્યું કે ભગવાન શંકર પણ કૈલાશ છોડીને લંકામાં રહે. મહાદેવે રાવણની આ મનોકામના પૂરી તો કરી પરંતુ એક શરત પણ રાખી. તેમણે કહ્યું કે જો તમે શિવલિંગને રસ્તામાં ક્યાંય પણ નીચે રાખશો તો હું ત્યાં જ રોકાઈ જઈશ. રાવણે ભગવાન શિવની શરત માની લીધી.
ભગવાન શિવનાં કૈલાશ છોડવાની વાત સાંભળીને બધા દેવો ચિંતા કરવા લાગ્યા. આ સમસ્યાના સમાધાન માટે બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા, શ્રી હરિએ લીલા રચી. તેમણે વરુણદેવને આચમન લેવાના બહાને રાવણના પેટમાં ઘૂસવાનું કહ્યું.જ્યારે રાવણ આચમન લઈને શિવલિંગ ઉપાડીને લંકા બાજુ જવા માટે ચાલતો થયો, ત્યારે દેવધર ની પાસે તેને લઘુશંકા માટે રોકાવું પડ્યું. રાવણે આજુબાજુ જોતા એક ગોવાળીયો નજરે પડ્યો, રાવણ તે ગોવાળિયા ને શિવલિંગ આપીને લઘુશંકા કરવા ગયો.આ ગોવાળિયા નું નામ બૈજુ હતું. તે બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ હતા. આથી આ તીર્થસ્થાનનું નામ બૈજનાથ ધામ અને રાવણેશ્વર ધામ બંને નામોથી પ્રખ્યાત છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર રાવણ ઘણા કલાકો સુધી લઘુ શંકા કરતો રહ્યો, જે આજે એક તળાવ તરીકે દેવધરમાં છે. અહીંયા બૈજુએ શિવલિંગ ધરતી પર રાખીને સ્થાપિત કરી દીધી. જ્યારે રાવણ પાછો આવ્યો ત્યારે લાખ કોશિશ કર્યા પછી પણ શિવલિંગને ઉપાડી શક્યો નહીં. ત્યારે તેને શ્રી હરિ ની લીલા સમજાઈ ગઈ, અને તે ક્રોધિત થઈને શિવલિંગ પર પોતાનો અંગૂઠો દબાવીને ચાલ્યો ગયો. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓ એ આવીને શિવલિંગની પૂજા કરી. શિવજી પ્રગટ થતાં જ બધા દેવોએ શિવ સ્તુતિ કરીને શિવલિંગની તે સ્થાને સ્થાપના કરી. ત્યારથી મહાદેવજી “કામના લીંગ” સ્વરૂપે દેવધર મા જ બિરાજે છે.