નવરાત્રી ઉજવાય છે એને દાયકાઓની સદીઓ થઇ ગઇ છે અને સદીઓના યુગો થઇ ગયાં છે.આધુનિકતા આવવા લાગી એમ ઉત્સવોમાં પણ એની અસર વર્તાણી અને એવી જ રીતે અત્યારે નવરાત્રી પણ આધુનિકતાના રંગે ઉજવાય છે.આદ્યશક્તિ અંબાને વચ્ચે બીરાજમાન કરીને ફરતે ખૈલેયાઓ રમે છે અને ગ્રાઉન્ડને રોશનીથી ઝળાહળા કરાય છે.
ઉપર્યુક્ત પરિવર્તનો સારા જ છે પણ એ સાથે બીજા પણ પરિવર્તનો આવ્યા છે.અને એ ભયંકર છે.એ પરિવર્તનો છે – વિકારના ! આજની યુવાપેઢી જેમાં ખેંચાઇ રહી છે એ અજગરે નવરાત્રી જેવા પવિત્ર ઉત્સવનો પણ ભરડો લીધો છે નવરાત્રી મુળે જ પ્રેમનો તહેવાર રહ્યો છે.યુવક – યુવતીઓના યૌવનને ખુલીને ખીલવા માટે આ ઉત્સવ શ્રેષ્ઠ જ છે.આમેય આપણી સંસ્કૃતિ એવી બંધિયાર નથી કે જેટલી દેખાડાય રહી છે.બંધિયાર હોત તો આવો ઉત્સવ જ ન હોત !
આપણી ભાતીગળ સંસ્કૃતિના લોકગીતોમાં પણ નવરાત્રી યૌવનના શણગારથી મઢી છે.એટલે નવરાત્રીમાં યૌવનનો ખીલખીલાટ એ ખોટી વસ્તુ નથી પણ એ બધું હદમાં હોય તો સારું લાગે !