- કપાસમાં ગુજરાત 26.8 લાખ હે. વાવેતર વિસ્તાર, 92 લાખ ગાંસડી ઉત્પાદન અને 589 કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં 459 કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટરનો વધારો
- ગુજરાતે વિકસાવેલી કપાસની સંકર-4 જાત પછી સમગ્ર દેશમાં શરૂ થયેલા સંકર કપાસ યુગથી ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો
મનુષ્ય જીવનની 3 મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.
ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ 1960માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર 139 કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે 600 કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને અબજો રૂપિયાની આવક કપાસ દ્રારા થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.
વર્ષ 1971માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-4 નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ 2021માં ભારતે રેકોર્ડ બ્રેક 10,787 મીલીયન ડોલરની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ 2001-02 સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે 17.40 લાખ હેક્ટર હતો, તે વર્ષ 2023-24 સુધીમાં વધીને 26.83 લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ 17લાખ ગાંસડીથી વધીને વર્ષ 2023-24માં 92.47 લાખ ગાંસડી અને ઉત્પાદકતા 165 કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ 2023-24 સુધીમાં 589 કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.
આટલું જ નહીં, વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય 22.45 લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર, 73.88 લાખ ગાંસડી ઉત્પાદન અને 559 કિ.ગ્રા. પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય બન્યું હતું. આજે પણ ગુજરાત દ્વિતીય ક્રમે યથાવત છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહન આપતી યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ ગુજરાતનું રહેશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રી કહ્યું કે, બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ 2 બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-6 બીજી-2 અને ગુજરાત કપાસ સંકર-8 બીજી-2ને વર્ષ 2012માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ 2015માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-10 બીજી-2 અને ગુજરાત કપાસ સંકર-12 બીજી-2 જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની 4 જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.
સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસા, વસ્ત્રો, ખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ 2030 સુધીમાં દોઢ ગણી અને 2040 સુધીમાં બમણી સંભવિત જરૂરીયાતો ઊભી થશે. આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનો, નવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છે, તેવો મંત્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.