- મહાનગરપાલિકા દ્વારા ઠંડા પીણાંના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા
- સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રુટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
- મોટી સંખ્યામાં દુકાનદારો માન્યતા વિનાના ઠંડુ પીણાંનું કરતા હતા વેચાણ
હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા ઠંડા પીણાંના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે મોટી માત્રામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રુટીના જથ્થાનો નાશ કર્યો હતો. પાંડેસરામાં મોટી સંખ્યામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચતા હતા. પાંડેસરા,ઉધના,ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા, ઉલટી તાવના સહિત કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને તેના કારણે લોકો ગરમીથી બચવા માટે બરફગોળો, પેપ્સી, આઈસક્રિમ સહિતની ઠંડી વસ્તુનું સેવન કરી રહ્યાં છે. બાળકો મોટી સંખ્યામાં પેપ્સી ખાઈ રહ્યાં છે. પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હજારથી વધુ પેપ્સી અને 80 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ઉનાળામાં હવે બાળકોને પ્રિય પેપ્સી ખવડાવવી પણ જોખમી બની ગઈ છે.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો, બરફ પેપ્સી કે આઇસક્રીમ આરોગે છે. તેમાં પણ પેપ્સી ઉનાળામાં બાળકોમાં પ્રિય બની રહી છે. પેપ્સી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવે છે. જેમાં કાલાખટ્ટા, ઓરેન્જ, મિલ્કી, જીરું, લસ્સી ફ્લેવરની અલગ અલગ પેપ્સી બનાવવામાં આવે છે. આ પેપ્સી નાના બાળકોથી લઈ તમામ માટે હાનિકારક બની રહી છે.
રોગચાળો ફેલાવતા ઠંડા પીણા ઝડપાયા
છેલ્લા ઘણા સમયથી સુરતમાં રોગચાળો વકર્યો છે. શહેરના પાંડેસરા,ઉધના,ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા, ઉલટી સહિત તાવના દર્દીઓ વધી રહ્યા છે. ફરિયાદ બાદ પાલિકાએ તપાસ કરતા પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાના દરોડામાં અખાદ્ય 80 કિલો ફ્રુડ, 1 હજારથી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.