કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આપણે સૌ અનિંદ્રાની સમસ્યાથી પીડાઇ રહ્યા છીએ. જેમાં મુખ્ય જવાબદાર પરિબળો તણાવ અને ચિંતા છે. ખાસ કરીને આ સમયગાળા દરમ્યાન નાના બાળકોથી માંડીને મોટેરાઓ એમ દરેક વર્ગના લોકો દ્વારા ફોન, ટીવી, કમ્પ્યૂટર જેવા સાધનોનો વધુ ઉપયોગ જોવા મળ્યો હતો કે જે અનિંદ્રાને નોતરે છે. એક તારણ અનુસાર નવેમ્બર-2021માં જુદા-જુદા 13 દેશોના 22,330 પુખ્તવયના લોકો ઉપર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું કે જેમાં 20 ટકા જેટલા લોકો અનિંદ્રાનો શિકાર હોવાનું સામે આવ્યું છે.
વધુ પડતો થતો ઉપકરણોનો દુરઉપયોગ
મનોરંજન અને હળવાશ માટે આપણે સૌ કોઇ મોટા ભાગે ટીવી, ફોન જેવા ઉપકરણો ઉપર જ આધાર રાખીએ છીએ. ખાસ કરીને ઉંઘતા સમય પહેલા આપણે ફોનનો ઉપયોગ કરતા હોઇએ છીએ. ફોનમાંથી બહાર આવતી બ્લૂ લાઇટ આપણા શરીરમાં નિંદ્રા માટે આવશ્યક ‘મેલાટોનિન’હોર્મોન્સને ખરાબ અસર કરે છે. મેલાટોનિન ઉંઘના 2 કલાક પહેલા ઉદ્ભવે છે. જેથી સૂવાના બે કલાક પહેલા કોઇપણ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ ટાળવો જોઇએ.
કેફી દ્રવ્યો અને માદક પદાર્થોનું સેવન :
સુવાના સમય પહેલા ક્યારેક કોફી, ચા જેવા પીણાઓ કે માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઇએ. જે ધીમે ધીમે ઉંઘની કાર્યક્ષમતા ઘટાડે છે. માદક દ્રવ્યોના સેવનથી ટૂંકા સમય માટે આપણને ગાઢ નિંદ્રાની અનુભૂતિ થાય છે પરંતુ આગળ જતા તે શરીરમાં ડીહાયડ્રેશનને નોતરે છે.
તણાવ અને માનસિક સ્વાસ્થ્ય :
દરેક વ્યક્તિ જીવનમાં તણાવ, હતાશા જેવી માનસિક બીમારીઓથી ઘેરાયેલો છે કે જેના કારણે ઓછી નિંદર આવે છે. તણાવ અને ઉંઘ એકબીજા સાથે સંકળાયેલા છે. જેથી તેના કારણે બેચેની સર્જાય છે.
સ્લીપ ડીસઓર્ડર :
સ્લીપ ડીસઓર્ડર જેવી કે અનિંદ્રા અને અતિનિંદ્રા ઉંઘની સમસ્યાના ગંભીર પરીબળો છે. જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જેના કારણે ઉંઘમાં ચાલવાની, બોલવાની કે દુ:સ્વપ્ન આવવાની, સમસ્યાઓ સર્જાય છે. જે વ્યકિતના જીવનમાં માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જેથી વ્યકિતએ 7-8 કલાકની પૂરતી નિંદર લેવી જોઇએ.
ઉંઘની ગોળીઓ
દવાઓમાં રહેલા કેમીકલ વ્યકિત દીઠ અલગ અલગ અસર કરતા હોય છે. ખાસ કરીને અસ્થમા, દીલની બીમારી, વાયરોડ વગેરે જેવી સમસ્યાઓની દવા ઉંઘને અસર કરે છે. આ સાથે જયારે ઉંઘની સમસ્યા સર્જાય ત્યારે વ્યકિત પોતાની જાતે જ મેડીકલમાંથી ઉંઘની ગોળીઓ લઇ લેતા હોય છે, જે ભૂલ કયારેય ન કરવી જોઇએ.
સૂતા પહેલા ખોરાકમાં પ્રોટીનનો ઉપયોગ
ખોરાકમાં લેવાતું પ્રોટીનને પાચન માટે ખુબ જ સમય લાગે છે ઘણી વખત લોકો સુવાના સમય પહેલા માંસાહાર જેવો ભારે ખોરાક આરોગતા હોય છે. ઉંઘતી વખતે શરીરની ચયાપચયની પ્રક્રિયા મંદ થઇ જતી હોય છે. જેથી રાત્રીના સમયે કાબ્રોહાઇડ્રેટ વાળો ખોરાક લેવાથી સારી ઉંઘ આવે છે.
સ્લીપ હાઇજીન
‘સ્લીપ ડીસ ઓર્ડર’ માટે રીલેકસ થતા શીખો, એલાર્મ માટે ફોન નહી પરંતુ ઘડીયાળનો ઉપયોગ કરવો. ખાસ કરીને સૂવા માટે આરામદાયક પથારીનો ઉપયોગ કરો. વધુ પડતી લાઇટમાં ન સૂવો સૂતા પહેલા સારી પુસ્તકનું વાંચન કરી શકાય.
કસરત
સૂતા પહેલા વધુ પડતું કરેલું વર્ક આઉટને કારણે ઉંઘની સમસ્યા સર્જાય છે. કસરતને કારણે હ્રદયના ધબકારા વધી જાય છે જેથી શરીરને રીલેકસ થવા માટે સમય લાગે છે. એક તારણ અનુસાર સાંજના સમયગાળા પછી કરવામાં આવતી કસરત ‘મેલાટોનિન’ નું ઉત્પાદન માટે ર4 કલાક જેટલો વધુ સમય લગાડે છે. કે જે બીજા દિવસે ઉંઘને અસર કરે છે.