“ફાંસી ના ફંદા ને ભગત સિંહ એ ચુંબન કર્યું ” એજ દ્રશ્ય. “જેલ “વાળા ની આંખ ને ભીનિં કર્યા વગર ના રહ્યા… આ ભગતસિંહ છે સુરવીર……ફાંસી આપવાનો સમય અસામાન્ય હતો. વહેલી સવારને બદલે 23 માર્ચની સાંજે સાડા સાત વાગ્યે. સૂરજ અસ્ત થઈ ગયો હતો. લાહોર જેલના વડા મેજર પી. ડી. ચોપડા 23 વર્ષના એક યુવાન અને તેના બે સાથી જોડે ચાલતા ફાંસીના માંચડા ભણી આગળ વધતા હતા.
- આ દૃશ્ય નિહાળી રહેલા જેલના નાયબ વડા મોહમ્મદ અકબર આંખમાં આવતાં આંસુને રોકવાના મુશ્કેલ પ્રયાસ કરતા હતા.
- ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલો તે યુવાન એ સમયે ભારતની કદાચ સૌથી વિખ્યાત વ્યક્તિ બની ગયો હતો.
- ભગતસિંહની સાથે તેમના બે સાથી સુખદેવ અને રાજગુરુ પણ ચાલી રહ્યા હતા. ભગતસિંહની ડાબી બાજુ સુખદેવ, જ્યારે જમણી બાજુ રાજગુરુ હતા.
એ ત્રણેયે તત્કાલીન અંગ્રેજ સરકારને વિનંતી કરી હતી કે રાજકીય કેદીના તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને તેમને સાધારણ ગુનેગારોની માફક ફાંસી આપવાને બદલે બંદૂક વડે ઠાર કરવામાં આવે, પરંતુ અંગ્રેજ સરકારે તેમની વિનંતી ફગાવી દીધી હતી.
ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ એક ગીત ગાઈ રહ્યા હતાઃ ‘દિલ સે ન નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશબૂ-એ-વતન આયેગી.’ તેમના બન્ને સાથી ભગતસિંહના સૂરમાં સૂર મેળવી રહ્યા હતા.ફાંસીના ફંદાને સૌથી પહેલાં ભગતસિંહે ચુંબન કર્યું હતું. સતવિંદરસિંહ જસે તેમના પુસ્તક ‘ધ એક્ઝિક્યુશન ઑફ ભગતસિંહ’માં લખ્યું છે કે “એ ક્ષણ માટે ભગતસિંહે પોતાનું જીવન દેશ માટે ન્યોચ્છાવર કરી દીધું હતું એટલું જ નહીં, પરંતુ એ ક્ષણની રીતસર પ્રતિક્ષા કરી હતી. તેની યોજના બનાવી હતી. ફાંસીનો ગાળિયો તેમણે જ પોતાના ગળામાં પહેર્યો હતો. ભગતસિંહ પછી રાજગુરુ અને સુખદેવના ગળામાં પણ ફાંસીનો ગાળિયો પહેરાવી દેવામાં આવ્યો હતો.”
ફાંસીનો ફંદો પહેરાવવામાં આવ્યો તે પહેલાં તેમણે તેને ચુંબન કર્યું હતું. પછી તેમના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા.
કુલદીપ નૈયરે પણ તેમના પુસ્તક ‘વિધાઉટ ફીયર, ધ લાઈફ ઍન્ડ ટ્રાયલ ઑફ ભગતસિંહ’માં લખ્યું છે કે “જલ્લાદે પૂછ્યું હતું કે પહેલાં ફાંસીના માચડે કોણ ચડશે, ત્યારે સુખદેવે કહ્યું હતું કે હું સૌથી પહેલાં ફાંસીના માચડે ચડીશ. જલ્લાદે એક પછી એક એમ ત્રણ વખત ફાંસીનો ફંદો ખેંચ્યો હતો. ત્રણેયનાં શરીર લાંબા સમય સુધી ફાંસીના માચડા પર લટકતાં રહ્યાં હતાં.”
એ પછી ત્યાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાં ઉપસ્થિત જેલના એક અધિકારી આ યુવા ક્રાંતિકારીઓના સાહસથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમના મૃતદેહને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેમને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ત્રણેયના અંતિમ સંસ્કાર જેલમાં જ કરવાનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો, પરંતુ પછી સત્તાવાળાઓએ એવું વિચાર્યું હતું કે જેલમાંથી ધૂમાડો નીકળતો જોઈને બહાર ઊભેલી ભીડ ઉશ્કેરાઈ જશે. તેથી ત્રણેયના અંતિમ સંસ્કાર સતલજ નદીના કિનારે કસૂરમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેલની પાછળની દિવાલ રાતોરાત તોડી નાખવામાં આવી હતી. ત્યાંથી એક ટ્રક અંદર લાવવામાં આવી હતી. ત્રણેયના પાર્થિવ દેહને ઘસડીને ટ્રકમાં ચડાવી દેવાયા હતા.
મન્મથનાથ ગુપ્તે તેમના પુસ્તક ‘હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન રિવોલ્યૂશનરી મૂવમેન્ટ’માં લખ્યું છે કે “સતલજના કિનારે બે પુજારી એ મૃતદેહોની રાહ જોઈ રહ્યા હતા. ત્રણેયના મૃતદેહને ચિતા પર મૂકીને આગ ચાંપી દેવામાં આવી હતી. સવાર પડતા પહેલાં બળતી ચિતાની આગ બૂઝાવીને અર્ધા બળેલા મૃતદેહોને સતલજ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એ પછી તે જગ્યાને પોસ્ટ નંબર 201ની ઓળખ મળી હતી. પોલીસ તથા પૂજારી ત્યાંથી હટ્યા કે તરત જ ગામના લોકો પાણીમાં ધસી ગયા હતા અને તેમણે અર્ધા બળેલા મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા તેમજ વિધિવત અંતિમ સંસ્કાર કર્યા હતા.”
-સા.હ્રિમ ચિંતના શ્રી જી